રાજ્યમાં ચાર મિની પ્રાદેશિક ‘વાઇબ્રન્ટ સમિટ’ યોજાશે

ગાંધીનગર: આગામી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) પહેલાં રાજ્ય સરકાર ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ચાર પ્રાદેશિક સમિટ વર્ષ 2025 અને 2026માં યોજશે.  રાજ્ય સરકારે ચાર વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRCs)ની યોજના અને અમલ માટે મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને એક કોર કમિટી રચી છે.

“સરકારે અત્યાર સુધીમાં વાઇબ્રન્ટ ગુજરાતની 10 સફળ આવૃત્તિઓ પૂરી કરી છે. હવે VGGS મોડલને પ્રાદેશિક સ્તરે કરવાની યોજના છે. આ અંતર્ગત રાજ્યભરમાં વિવિધ વિસ્તારોમાં વાયબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRCs) યોજવામાં આવશે. આ પહેલનો હેતુ એ છે કે વિવિધ વિસ્તારો તેમનાં વિશિષ્ટ પરિબળો અને વિકાસ માટેની તૈયારીઓ રજૂ કરી શકે તેમ જ સ્થાનિક સ્તરે જાહેર ભાગીદારીને પ્રોત્સાહન મળે, એવું ઉદ્યોગ અને ખનિજ વિભાગની એક સૂચનામાં જણાવવામાં આવ્યું છે.

આ સૂચનામાં જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાત VGRC મહેસાણામાં 9 અને 10 ઓક્ટોબર, 2025એ યોજાવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છ VGRCની તારીખ 8 અને 9 જાન્યુઆરી, 2026 રાખવામાં આવી છે અને તે રાજકોટમાં યોજાવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત VGRC સુરતમાં 9 અને 10 એપ્રિલ, 2026એ અને મધ્ય ગુજરાત VGRC વડોદરામાં 9 અને 10 જુલાઈ, 2026એ યોજાવાની શક્યતા છે.

VGRCsને અમલમાં મૂકવા માટે 25 સભ્યોની કોર કમિટી રચવામાં આવી છે, જેનું અધ્યક્ષસ્થાન મુખ્ય સચિવ કરશે. તેમાં વિવિધ મહત્વના વિભાગોના અતિરિક્ત મુખ્ય સચિવો, મુખ્ય સચિવો અને સચિવો સભ્ય હશે. ધોલેરા SIRના CEO અને GIDCના MD પણ સભ્ય રહેશે. જ્યારે ઇન્ડેક્સટીબીના એમડી કમિટીના સભ્ય સચિવ તરીકે રહેશે.

વર્ષ 2027માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ગુજરાતની ચૂંટણી વિકાસના મુદ્દાઓ ઉપર આધારિત છે. ત્યારે સરકાર ચૂંટણી ટાણે જ વાયબ્રન્ટ ગુજરાત સમીટ યોજવાની તૈયારી કરી રહી છે. આ પહેલનો હેતુ પ્રદેશોને તેમની અનન્ય શક્તિઓ અને વિકાસલક્ષી તૈયારી દર્શાવવા માટે સશક્ત બનાવવાનો છે, જ્યારે પાયાના સ્તરે જાહેર ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો છે, એમ સૂચનામાં જણાવાયું છે.