ગાંધીનગર: જાહેર જનતાનાં આરોગ્યના હિતમાં તૈયાર ખાદ્ય ચીજ વસ્તુઓમાં મળી આવતા જીવ-જતુંઓ માટે તકેદારી રાખવા બાબતે ગુજરાત રાજ્યના ફૂડ એન્ડ સેફ્ટી કમિશનર કમિશનર ડૉ. એચ. જી કોશિયાએ મહત્ત્વની જાણકારી આપી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોની જીવન જરૂરી ખાદ્ય ચીજ વસ્તુઓ શુદ્ધ, સલામત અને ગુણવત્તા યુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે.હાલમાં દૈનિક સમાચાર પેપરોમાં “ખાદ્ય ચીજ વસ્તુ/તૈયાર ખોરાકમાં વંદો-દેડકા-ઉંદર તથા અન્ય જીવ જંતુઓ મળી આવે છે તેવા સમાચાર પ્રસિદ્ધ થયેલ છે. જે સમાચારો બાબતે જણાવવાનું કે, ઉનાળાની સીઝનનાં કારણે જીવ જંતુઓનો ઉપદ્રવ ખુબ જ વધેલ છે. જેના કારણે હોટલ, રેસ્ટોરન્ટ કે ધાબામાં ખોરાક બનાવવાની જગ્યાએ રસોડામાં ખાદ્ય ચીજ વસ્તુઓ બનાવ્યા બાદ યોગ્ય રીતે જાળવણી ન કરવામાં આવે તો અથવા તે બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા રો મટીરિયલ્સ (ખાસ કરીને શાકભાજી)ને યોગ્ય રીતે સાફ કે સંગ્રહ ન કરવામાં આવે તો આવા બનાવો બનવાની શક્યતાઓ વધી જાય છે.જે માટે આ તંત્ર ધ્વારા હોટલો-રેસ્ટોરન્ટ-ધાબાઓને ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડસ એક્ટ, 2006 અને તે અન્વયેના ફુડ સેફ્ટી & સ્ટાન્ડર્ડસ (લાયસન્સીગ & રજીસ્ટ્રેશન) રેગ્યુલેશન,2011ના શિડ્યુલ -IV મુજબની હાયજીન એન્ડ સેનિટેશનની જોગવાઇઓનુ પાલન થાય તે માટે ઇન્સપેકશન કરી જરૂર પડે ઇમ્પ્રુવમેંટ નોટિસ આપવામાં આવે છે. જો આ નોટિસની સૂચનાઓનુ પાલન ન કરવામા આવે તો લાયસન્સ/રજીસ્ટ્રેશન રદ કરી પેઢીને જાહેર હિતમાં બંધ કરાવવામાં આવે છે. ફૂડ સેફ્ટી કાયદાની કલમ-૫૬ હેઠળ રૂ. એક લાખ દંડની જોગવાઇ કાયદામાં કરવામાં આવેલ છે. તૈયાર ખોરાકમાં જીવજંતુઓ ન પડે તેની પ્રાથમિક જવાબદારી ભોજન બનાવી પિરસતા હોટલો-રેસ્ટોરન્ટ-ધાબા-કેંટીન -ભોજનાલયો ચલાવતા વેપારીઓની છે. જે માટે તેઓએ રસોડાની સાફ સફાઇ સતત કરાવવી, બારીઓ અને એક્જોહસ્ટ પંખા પર નેટથી કવર કરવા, દરવાજામાં જીવજંતુઓ પ્રવેશ ન કરે તે માટે કવર કરવા, યોગ્ય જગ્યાએ ફ્લાય કેચર્સ રાખવા, ડ્રેનેજ સીસ્ટમને કવર કરવી, ઓથરાઇજ એજન્સી પાસે સમયાંતરે પેસ્ટ કંટ્રોલ કરાવવી તથા તેનો રેકર્ડ સાચવવો વિગેરે જેવી બાબતોનુ ખાસ તકેદારી રાખવાની રહે છે.ગ્રાહકોએ જમતા પહેલા હોટલ-રેસ્ટોરન્ટ-ધાબાના રસોડાની સ્વચ્છતા જોઇ ચકાસી જમવાનો આગ્રહ રાખવો જોઇએ. આ તંત્ર દ્વારા હાઇજીન રેટીંગ સ્કીમ હેઠળ હોટલ-રેસ્ટોરન્ટ-ધાબાઓને હાઇજીન અને સેનીટેશન બાબતે થર્ડ પાર્ટી ઓડીટ કરી તાલીમ આપી રાજ્યમાં હોટલ/રેસ્ટોરન્ટના હાયજીન રેટિંગ કરવામાં આવેલ છે જેના થકી ગ્રાહકોને હોટલની પસંદગી કરી શકે છે. જો કોઇ ગ્રાહકને તેઓને પીરસેલા કોઇ ખોરાકમાં જીવ જંતુઓ મળી આવે તો તેઓએ જેતે કોર્પોરેશન /જીલ્લાની ફુડ વિભાગની ઓફીસનો ફરિયાદ કરી શકાય છે.વધુમા રાજ્ય કક્ષાએ કાર્યરત ફુડ સેફ્ટી હેલ્પડેસ્કના ટોલ ફ્રી નબર: ૧૮૦૦૨૩૩૫૫૦૦, ૧૪૪૩૫ તથા મોબાઇલ નબર ૯૦૯૯૦૧૩૧૧૬, ૯૦૯૯૦૧૨૧૬૬ અથવા હેલ્પ ડેસ્કના ઇ-મેઇલ helpdesk.fdca@gmail.com પર ફરિયાદ નોંધાવી શકાય છે.