મંકીપોક્સને લઈને રાજ્યોને કડક નિર્દેશ, દિલ્હીમાં મળ્યો પહેલો શંકાસ્પદ કેસ

નવી દિલ્હી: ભારતમાં મંકીપોક્સનો શંકાસ્પદ કેસ સામે આવતા કેન્દ્ર સરકારે તમામ રાજ્યો માટે એડવાઈજરી જારી કરી છે. અહેવાલો મુજબ આરોગ્ય મંત્રાલયે શંકાસ્પદ વ્યક્તિઓની સ્ક્રીનિંગ અને કોન્ટેક્સ ટ્રેસિંગ કરવાની સલાહ આપી છે. મળતી માહિતી અનુસાર કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સોમવારે એક એડવાઈજારી કરી છે, જેમાં વાયરલ ઈન્ફેક્સનું ઝડપથી સ્ક્રીનિંગ કરવા તેમજ સ્થિતિ પર નજર રાખવાનો ઉલ્લેખ કરાયો છે. જોકે અધિકારીઓએ ચિંતા ન કરવાની સાથે કહ્યું છે કે, આપણો દેશ બહારથી આવતા પ્રવાસીઓના આઈસોલેશન મામલે સંપૂર્ણ તૈયાર છે.આરોગ્ય મંત્રાલયે રવિવારે દિલ્હીમાંથી શંકાસ્પદ કેસ મળ્યો હોવાની માહિતી આપી હતી. આ વ્યક્તિ વિદેશથી ભારત આવ્યો હતો અને તેને હોસ્પિટલમાં આઈસોલેશનમાં રાખવામાં આવ્યો છે. હાલ તેની સ્થિતિ સ્થિર છે, તેમ સરકારે જણાવ્યું છે. આરોગ્ય મંત્રાલયની જાહેરાતમાં કહેવાયું છે કે, શંકાસ્પદ દર્દીને ખરેખર મંકીપોક્સનો ચેપ લાગ્યો છે કે નહીં, તે જાણવા સેમ્પલની તપાસ કરવામાં આવી રહી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ પણ અગાઉ મંકીપોક્સ મામલે ચિંતા વ્યક્ત કરી હતી. આ ગંભીર બિમારીના કારણે અત્યાર સુધીમાં અનેક લોકોના મોત થઈ ચુક્યા છે.