મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં અચાનક ગરમાટો વધી ગયો છે, કારણ કે કેબિનેટ બેઠકમાં એકનાથ શિંદે નેતૃત્વ ધરાવતી શિવસેનાના ઘણા મંત્રીઓ ગેરહાજર રહ્યા. તેમની આ ગેરહાજરીએ તરત જ બાયકોટની અટકળોને વેગ આપ્યો. જોકે ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે બેઠકમાં હાજર હતા, પરંતુ પછી શિવસેનાના મંત્રીઓએ સીએમ દેવેન્દ્ર ફડણવીસને મળી તેમની નારાજગી ખુલ્લેઆમ વ્યક્ત કરી હતી. ફડણવીસે શિવસેના અને શિંદે ગ્રુપને કહ્યું હતું કે સૌએ ગઠબંધનના નિયમોનું પાલન કરવું જોઈએ.
શિવસેનાના નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે સ્થાનિક નગરપાલિકા ચૂંટણી પહેલાં ભાજપ તેમની ડોમ્બિવલી વિસ્તારના સ્થાનિક નેતાઓનું પક્ષાતંર કરી રહ્યો છે. આ વાત શિંદે ગ્રુપને ખૂબ જ ન ગમી અને તેમણે તેને ગઠબંધનની ભાવનાના વિરુદ્ધ ગણાવી.ફડણવીસે બેઠકમાં ખૂબ જ કડક વલણ અપનાવ્યું. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે રાજકીય સેંધમારીની શરૂઆત શિવસેનાએ જ કરી હતી — “ઉલ્હાસનગરમાં તમે કર્યું હતું અને હવે તેનો જવાબ મળી રહ્યો છે. એ બંને સહયોગી પક્ષોને ચેતવણી આપી કે હવે પછી કોઇ પણ પ્રકારનું પક્ષાતંર નહીં થાય. તેમના શબ્દોમાં બંને પક્ષોએ અનુશાસનનું પાલન કરવું પડશે.
એ દરમ્યાન ભાજપ નેતા ચંદ્રશેખર બાવંકુલે બાયકોટની અફવાઓને સંપૂર્ણપણે નકારી કાઢી. તેમણે કહ્યું હતું કે ઘણા મંત્રીઓ સ્થાનિક ચૂંટણીપ્રચાર માટે ગયા હતા, એટલે ભાજપના પણ કેટલાક મંત્રીઓ બેઠકમાં નહોતા આવ્યા. ગઠબંધન તૂટશે તેવી વાતોને તેમણે અફવા ગણાવી અને કહ્યું હતું કે ટિકિટ ન મળતાં કેટલાક સ્થાનિક નેતાઓ અહીં-ત્યાં જઈ રહ્યા છે, જેના પર પક્ષ કાર્યવાહી કરશે.
કેબિનેટ મિટિંગ જનતાના કામ માટે છે, નારાજગી માટે નહીં
બીજી તરફ, વિરોધ પક્ષે આ મુદ્દે તીખો પ્રહાર કર્યો હતો. આદિત્ય ઠાકરેએ X પર શિંદે ગ્રુપ પર આક્રમક હુમલો કરતાં કહ્યું હતું કે કેબિનેટ મિટિંગ જનતાનાં કામ માટે હોય છે, વ્યક્તિગત નારાજગી માટે નહીં. આ મહારાષ્ટ્રનું અપમાન છે.

રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે સ્થાનિક ચૂંટણી નજીક આવતાં આ તણાવ વધુ વધી શકે છે. ભલે ભાજપ અને શિંદે ગ્રુપ જાહેરમાં “ગઠબંધન મજબૂત” હોવાનું કહેતા હોય, પરંતુ અંદરની ખેંચતાણ હવે ખુલ્લેઆમ સામે આવી ગઈ છે.


