ગાંધીનગર: લાંબા સમયથી ભાજપથી નારાજ પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા કઈક નવાજૂની કરવાના મૂડમાં છે. જવાહર ચાવડાએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાથે ખાનગીમાં બેઠક કરી હોવાની વાતોએ જોર પકડયું છે. આ જોતાં આગામી દિવસોમાં જવાહર ચાવડા કોંગ્રેસમાં ઘરવાપસી કરે તેવા એંધાણ છે જેના પગલે ગુજરાતનું રાજકારણ ગરમાયુ છે.પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા ઘણાં વખતથી નારાજ છે. એટલુ જ નહીં, ટોલટેક્સના મુદ્દાને લઇને જવાહર ચાવડા અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા વચ્ચે પણ કોલ્ડવોર ચરમસીમાએ છે. પોરબંદરની પેટાચૂંટણી વખતે મનસુખ માંડવિયાએ જવાહર ચાવડા પર નિશાન સાધી એવુ કહ્યું હતું કે, જે વ્યક્તિ પક્ષના નિશાન લઈને ફરે છે તેમણે પક્ષનું કામ કરવું જોઇએ.બીજી તરફ જવાહર ચાવડાનું કહેવું છે કે, ભાજપ પક્ષ વિરોધીઓને જ છાવરે છે. જેમણે ચૂંટણીમાં પક્ષના ઉમેદવારને હરાવવાનું ખુલ્લેઆમ કૃત્ય કર્યુ છે તેની સામે પગલાં ભરવામાં આવતા નથી. વર્ષ 2017માં જે ભાજપના નેતાઓએ કોંગ્રેસને મદદ કરી હતી. એ જ નેતાઓએ વર્ષ 2019માં પણ ભાજપના ઉમેદવારને હરાવવાનું કૃત્યુ કર્યુ હતું.