મુંબઈઃ હિન્દી ફિલ્મોનાં પીઢ અભિનેત્રી ઝીનત અમાને એવો દાવો કરતી તમામ અફવાઓનું ખંડન કર્યું છે કે સોશ્યલ મીડિયા પર એમની હાજરીનો અર્થ એવો થાય છે કે તેઓ રૂપેરી પડદા પર પુનરાગમન કરવા સજ્જ થઈ ગયાં છે. આ 71 વર્ષીય અભિનેત્રીએ કહ્યું છે કે, ‘ફિલ્મોમાં કમબેક કરવાનો મારો કોઈ વિચાર નથી, પરંતુ એ માટે મેં દ્વાર બંધ પણ નથી કર્યાં.’
‘યાદોં કી બારાત’, ‘અજનબી’, ‘ધરમવીર’, ‘શાલીમાર’, ‘સત્યમ શિવમ સુંદરમ’, ‘ડોન’, ‘કુરબાની’ જેવી અનેક ફિલ્મોમાં કરેલા અભિનય માટે જાણીતાં ઝીનત અમાને ઈન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે, ‘મેં 16 વર્ષની ઉંમરે ફિલ્મ કારકિર્દી શરૂ કરી હતી. ત્યારથી મારા વિશે અનેક વાર અફવાઓ ફેલાવવામાં આવી છે. હવે વૃદ્ધાવસ્થાનાં સમયમાં હું મારાં જીવનમાં ઉપલબ્ધ તકનો આનંદ મેળવી રહી છું. આજે મારી પર કોઈ મેનેજર કે સ્ટુડિયો કે બ્રાન્ડનું દબાણ નથી. હું રૂપેરી પડદા પર પુનરાગમન કરવાનો વિચાર કરતી નથી, પરંતુ એ માટેનાં દ્વાર મેં બંધ પણ કર્યાં નથી.’
