અન્નૂ કપૂરે સ્મિતા પાટીલને ચેતવ્યાં હતાં

મુંબઈઃ 1979માં અમિતાભ બચ્ચન અભિનીત ‘કાલા પથ્થર’ ફિલ્મ સાથે હિન્દી ફિલ્મોમાં પ્રવેશ કરનાર ચરિત્ર અભિનેતા અન્નૂ કપૂરનો આજે જન્મદિવસ છે. ‘બેતાબ’, ‘મંડી’, ‘આધારશિલા’, ‘મિસ્ટર ઈન્ડિયા’, ‘તેજાબ’, ‘રામ લખન’, ‘ઘાયલ’, ‘હમ’, ‘ડર’ જેવી અનેક ફિલ્મોમાં કામ કરી ચૂકેલા અન્નૂ કપૂર અને અભિનેત્રી સ્મિતા પાટીલ વચ્ચે ઘણી સારી મૈત્રી હતી. 1986ની 13 ડિસેમ્બરે સ્મિતા પાટીલનું મુંબઈની એક હોસ્પિટલમાં 31 વર્ષની વયે નિધન થયું તેના અમુક મહિનાઓ પૂર્વે અન્નૂ કપૂરે એમને સંભાળીને રહેવાની સલાહ આપી હતી.

‘સુહાના સફર વિથ અન્નૂ કપૂર’ ટીવી શોમાં અન્નૂએ પોતે જ તે પ્રસંગનો ઉલ્લેખ કર્યો હતો. એમણે કહ્યું કે, ‘1986માં હું અને દિવંગત અભિનેત્રી સ્મિતા પાટીલ એક પ્રોજેક્ટમાં સાથે કામ કરતાં હતાં. દિગ્દર્શક સત્યજીત રેની તે એક સિરિયલ હતી. એમાં હું સ્મિતા પાટીલનાં પતિની ભૂમિકા ભજવતો હતો. અમે બંનેએ ત્રણ દિવસ શૂટિંગ કર્યું હતું. 1986ની 26 જાન્યુઆરીએ અમે કોલકાતાથી મુંબઈ પાછાં આવતાં હતાં. એ સમયમાં મને હસ્તરેખાશાસ્ત્રની થોડીક જાણકારી હતી. સ્મિતાએ મને કહ્યું કે ‘અન્નૂ તું મારો હાથ જોતો નહીં.’ તે છતાં હું એમનો હાથ જોવા લાગ્યો અને એમને કહ્યું કે, તમારી એકેય ભાગ્ય રેખા તમારી જીવન રેખાને સાથ આપતી નથી. વળી, જીવન રેખા આગળ વધતી નથી. સ્મિત, આ વર્ષ તમારા માટે થોડુંક કઠિન છે. સંભાળીને રહેજો.’

તેના થોડાક જ મહિના બાદ સ્મિતા પાટીલનું નિધન થયું હતું. એમનાં નિધનથી સૌને આઘાત લાગ્યો હતો.