મુંબઈઃ મુંબઈ પોલીસના એન્ટી-નાર્કોટિક્સ વિભાગના અધિકારીઓએ હિન્દી ફિલ્મોના ચરિત્ર અભિનેતા દિલીપ તાહિલના પુત્ર ધ્રૂવની કેફી દ્રવ્યોને લગતા એક કેસના સંબંધમાં અહીં બાન્દ્રા ઉપનગરમાં ગઈ કાલે ધરપકડ કરી છે. અધિકારીઓ હવે આજે ધ્રૂવ તાહિલને કોર્ટમાં હાજર કરશે.
એએનઆઈ સમાચાર સંસ્થાના જણાવ્યા મુજબ, ધ્રૂવ તાહિલ મુઝમ્મિલ અબ્દુલ રેહમાન નામના ડ્રગ્સના દાણચોરના સંપર્કમાં હોવાનું કહેવાય છે અને તેણે અગાઉ પણ એની પાસેથી ગેરકાયદેસર કેફી દવાઓ ખરીદી હતી. પોલીસે બંનેના વોટ્સએપ મેસેજિસ પણ મેળવ્યા છે અને કથિત ચેટમાં જોવા મળ્યું છે કે ધ્રૂવે પ્રતિબંધિત કેફી દ્રવ્યોની અનેક વાર માગણી કરી હતી. આ કેસમાં વધુ તપાસ મુંબઈસ્થિત નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો દ્વારા કરવામાં આવી રહી છે. ધ્રૂવ અને દાણચોર વચ્ચેના બેન્ક સોદાની વિગત પણ તપાસનીશ અધિકારીઓએ મેળવી લીધી છે.