મને ખર્ચાળ-લગ્નોથી બહુ ડર લાગે-છેઃ સૈફ અલી

મુંબઈઃ પોતાની આગામી હિન્દી ફિલ્મ ‘ભૂત પોલીસ’નો કોમેડી શો ‘કપિલ શર્મા શો’ના આગામી એપિસોડમાં પ્રચાર કરતી વખતે અભિનેતા સૈફ અલી ખાને કહ્યું હતું કે ખર્ચાળ લગ્નોથી એને બહુ ડર લાગે છે. કાર્યક્રમમાં તેની સાથે એના સાથી ફિલ્મ કલાકારો પણ ઉપસ્થિત રહ્યાં હતાં – યામી ગૌતમ અને જેક્લીન ફર્નાન્ડિઝ.

નવા પ્રોમોને સૈફ અલી ખાને ઓનલાઈન શેર કર્યો છે. એમાં એને કોમેડી શોની ટીમના સભ્યો સાથે રમૂજભરી વાતચીત કરતો જોઈ શકાય છે. જ્યારે હોસ્ટ કપિલ શર્માએ યામીને મજાકમાં કહ્યું કે, ‘તેં આદિત્ય ધર સાથેના લગ્ન એકદમ સાદગીભર્યા – માત્ર 20 જણની હાજરીવાળા કેમ રાખ્યા હતા?’ ત્યારે સૈફે 2012માં કરીના કપૂર સાથેના પોતાના લગ્નની યાદ તાજી કરી હતી. એણે કહ્યું કે, ‘અમે પણ પ્રસંગને અંગત જ રાખવા ઈચ્છતા હતા. અમે જ્યારે લગ્ન કર્યાં હતાં ત્યારે અમે પણ નક્કી કર્યું હતું કે માત્ર નિકટનાં પરિવારજનોને જ બોલાવીશું. પરંતુ કપૂર પરિવારમાં ઓછામાં ઓછા 200 જણ છે.’

ભપકાદાર લગ્નસમારંભોનો પોતાને ડર લાગે છે એમ કહીને સૈફે કહ્યું કે, ‘મને તો ખર્ચાળ લગ્નોથી બહુ જ ડર લાગે છે. મારે ચાર સંતાન છે… મને તો એવા લગ્નોથી બહુ ડર લાગે છે.’ ઉલ્લેખનીય છે કે, સૈફ અલી ખાનને પહેલી પત્ની અમ્રિતા સિંઘથી બે સંતાન થયા છે – પુત્ર ઈબ્રાહિમઅલી અને પુત્રી સારા. બીજી પત્ની કરીના કપૂરથી એને બે પુત્ર થયા છે – તૈમૂરઅલી અને જહાંગીરઅલી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]