ટાટા સન્સને રૂ. 40,000 કરોડ એકત્ર કરવા શેરહોલ્ડરોની મંજૂરી

મુંબઈઃ મીઠાથી માંડીને ઓટોમોબાઇલ સુધીના બિઝનેસ કરવાવાળા ટાટા ગ્રુપની હોલ્ડિંગ્સ કંપની ટાટા સન્સ રૂ. 40,000 કરોડ એકત્ર કરવા માટે શેરધારકોની મંજૂરી મળી ગઈ છે. ટાટા સન્સને નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર સહિત વિવિધ પ્રકારે રૂ. 40,000 કરોડ એકઠા કરવા માટે શેરહોલ્ડરોની મંજૂરી મળી છે. વળી, આ મંજૂરી એવા સમયે મળી છે, જ્યારે ગ્રુપ ઈ-કોમર્સ બિઝનેસમાં પ્રવેશવાની મહત્ત્વાકાંક્ષી યોજના બનાવી રહ્યું છે અને સરકારી કેરિયર એર ઇન્ડિયાને હસ્તાંતરણ કરવા ઇચ્છે છે.

આ ઘટનાક્રમથી સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે ગ્રુપને વર્ચ્યુઅલ વાર્ષિક સામાન્ય સભા (AGM)માં ફંડ એકઠું કરવા માટે શેરહોલ્ડરોએ મંજૂરી આપી છે. વધુમાં શેરહોલ્ડરોએ સૌરભ અગ્રવાલ અને રાલ્ફ સ્પેથને ડિરેક્ટર તરીકે અને હરીશ મનવાનીને સ્વતંત્ર ડિરેક્ટર તરીકે નિયૂક્ત કરવા માટે મંજૂરી આપી છે, એમ સૂત્રોએ કહ્યું હતું. હાલમાં સૌરભ અગ્રવાલ ટાટા સન્સમાં ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર છે અને રાલ્ફ સ્પેથ જગુઆર લેન્ડરોવર કંપનીનો ભૂતપૂર્વ CEO છે. હરીશ મનવાની યુનિલીવરમાં ગ્લોબલ ચીફ ઓપરેટિંગ ઓફિસર હતા, જે અગ્રણી પ્રાઇવેટ ઈક્વિટી બ્લેકસ્ટોનમાં સિનિયર ઓપરેટિંગ ભાગીદાર પણ છે. આ સાથે ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરનને બીજા કાર્યકાળ માટે પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા, તેમનો કાર્યકાળ ફેબ્રુઆરી, 2022માં પૂરી થઈ હતી. ચંદ્રશેખરન મીટિંગમાં હાજર નહોતા રહ્યા.