મુંબઈઃ બોલીવૂડ એક્ટર ટાઇગર શ્રોફ તેની એક્શન અને ફિટનેસ માટે જાણીતો છે. હાલમાં એક એક્શન સીનના શૂટ દરમ્યાન તેના પગમાં ફ્રેક્ચર થયું હતું. એક્ટરે ખુદ વિડિયો જારી કરીને આ વિશે માહિતી આપી હતી. વોશ બેઝિન તોડવાના ચક્કરમાં તેની સાથે આ બનાવ બન્યો હતો. ટાઇગર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વિડિયો શેર કર્યો હતો. આ વિડિયોમાં એક્ટર એક્શન સીન શૂટ કરતો નજરે પડી રહ્યો છે. આ વિડિયોને શેર કરતાં ટાઇગરે લખ્યું હતું કે કોન્ક્રીટનું વોશ બેઝિન તોડતાં સમયે તેના પગમાં પણ ફ્રેક્ચર થયું હતું.
તેણે વિડિયો શેર કરતાં લખ્યું હતું કે હું મારી જાતને વધુ મજબૂત સમજતો હતો. જોકે હું એટલું જરૂર કહીશ કે મેં પણ વોશ વેઝિન પણ તોડી કાઢ્યું હતું. જોકે ટાઇગરનો આ વિડિયો જૂનો લાગી રહ્યો છે, કેમ કે તેની પોસ્ટ પર સાબિર ખાને લખ્યું હતું કે આ દિવસે તેણે સતત 24 કલાક શૂટિંગ કર્યું હતું. એક્ટરના આ વિડિયો પર તેના ફેન્સે નોંધપાત્ર પ્રતિસાદ આપ્યો હતો. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ટાઇગર ટૂંક સમયમાં ‘ગણપત’ અને ‘બડે મિયાં છોટે મિયા’માં નજરે ચઢશે. આ ફિલ્મમાં તે અક્ષયકુમાર સાથે દેખાં દેશે.
ટાઇગર શ્રોફની આ પોસ્ટ પર તેની માતા આયશાએ ચિંતા વ્યક્ત કરી હતી. તેની માતાએ આશ્ચર્ય અને પ્રેમ દર્શાવતા ઇમોજી શેર કરી હતી.
