3-વર્ષે સ્વદેશ પાછી ફરી રહી છે પ્રિયંકા

મુંબઈઃ બોલીવુડ-હોલીવુડ અભિનેત્રી અને નિર્માત્રી પ્રિયંકા ચોપરા-જોનસ કોરોનાવાઈરસ મહામારીના ફેલાવાના ત્રણ વર્ષ બાદ પહેલી વાર ભારત પાછી આવી રહી છે. અમેરિકન ગાયક નિક જોનસને પરણીને પ્રિયંકા લોસ એન્જેલીસ શહેરમાં સ્થાયી થઈ છે. પોતાની ભારત મુલાકાતની જાણકારી એણે તેનાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આપી છે. એણે લખ્યું છેઃ ‘આખરે… ઘેર આવી રહી છું. લગભગ 3 વર્ષ પછી…’ એણે આ લખાણ સાથે યૂએસ-મુંબઈ ફ્લાઈટનાં પોતાનાં બોર્ડિંગ પાસ સાથેની એક તસવીર પણ મૂકી છે.

પ્રિયંકા અને નિક જોનસ સરોગેસી પદ્ધતિ દ્વારા એક બાળકીનાં માતાપિતા બન્યાં છે. દીકરીનું નામ એમણે માલતી મેરી જોનસ રાખ્યું છે. માલતી-મેરીની આ પહેલી જ ભારત મુલાકાત છે.

અભિનય ક્ષેત્રે, પ્રિયંકાની નવી ફિલ્મ આવી રહી છે ‘ઈટ્સ ઓલ કમિંગ બેક ટુ મી’ – જે રોમેન્ટિક હશે. એમાં તેણે સેમ હ્યુગેન સાથે અભિનય કર્યો છે. આ ઉપરાંત એમેઝોન સ્ટુડિયોની સ્પાઈ શ્રેણી ‘સિટાડેલ’માં પણ કામ કરી રહી છે. એમાં તેનો હિરો ‘ગેમ ઓફ થ્રોન્સ’ ફેમ રિચર્ડ મેડન છે. એની નવી હિન્દી ફિલ્મ છે – જી લે ઝરા. ફરહાન અખ્તર દિગ્દર્શિત આ ફિલ્મમાં પ્રિયંકા સાથે કેટરીના કૈફ અને આલિયા ભટ્ટ પણ છે.