‘ભાજપ કંગનાનું સ્વાગત કરે છે, પણ…’: નડ્ડાનાં પ્રત્યાઘાત

નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેત્રી કંગના રણોતે 2024ની લોકસભા ચૂંટણી હિમાચલ પ્રદેશમાંથી ભાજપની ટિકિટ પર લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ગઈ કાલે એક કાર્યક્રમમાં કંગનાએ આમ કહ્યું હતું. તેનાં એ નિવેદનના પ્રત્યાઘાતમાં, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડાએ કહ્યું છે કે ભાજપ વતી ચૂંટણી લડવાની કંગનાની ઈચ્છાનું અમારી પાર્ટી સ્વાગત કરે છે, પણ ચૂંટણી લડવા વિશેનો નિર્ણય તો મસલત કર્યા બાદ જ લેવાશે. પક્ષ માટે કામ કરવા ઈચ્છનાર કોઈ પણ વ્યક્તિને પક્ષનો આવકાર છે. કંગનાએ ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડવી જોઈએ કે નહીં એનો નિર્ણય એકલો હું લઈ શકું નહીં. એ માટે એક પ્રક્રિયા હોય છે.

હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી 12 નવેમ્બરે યોજાવાની છે. મતદાન એક જ તબક્કામાં યોજાશે અને 8 ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે અને એ જ દિવસે પરિણામ જાહેર કરવામાં આવશે. આ રાજ્યમાં શાસક ભાજપ અને વિરોધપક્ષ કોંગ્રેસ વચ્ચે સીધી સ્પર્ધા છે. 2017માં ગુમાવેલી સત્તાને પાછી મેળવવા માટે કોંગ્રેસ પ્રયત્નશીલ છે.