‘ભવિષ્યમાં ભારત મોટા પેસેન્જર વિમાનો પણ બનાવશે’

વડોદરાઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતાને આગળ ધપાવવા માટે C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનો આજે અહીં શિલાન્યાસ કર્યો છે. ભારતમાં ખાનગી ક્ષેત્ર દ્વારા આ પ્રકારના વિમાનોનું ઉત્પાદન કરનાર આ પહેલો જ પ્લાન્ટ છે. આ પ્લાન્ટમાં આ વિમાનો ટાટા ગ્રુપ અને ફ્રાન્સની વિમાન ઉત્પાદક એરબસ કંપની સાથે મળીને બનાવશે. શિલાન્યાસ વિધિ સંપન્ન કર્યા બાદ વડોદરાના અનસૂયા રિસર્ચ સેન્ટર ગ્રાઉન્ડ ખાતે વડા પ્રધાને એમના સંબોધનમાં કહ્યું કે ‘મેક ઈન ઈન્ડિયા, મેક ફોર ધ ગ્લોબ’ અભિગમના સિદ્ધાંત સાથે ભારત દેશ એની ક્ષમતાઓને વેગ આપી રહ્યો છે. આપણે દુનિયામાં મેન્યૂફેક્ચરિંગ ક્ષેત્રમાં મોખરે થવાની તૈયારીમાં છીએ. સેમીકંડક્ટરથી લઈને વિમાન ઉત્પાદન સુધી, એમ દરેક ક્ષેત્રમાં આપણે મોખરે રહેવાના નિશ્ચય સાથે આગળ વધી રહ્યા છીએ. ભવિષ્યમાં ભારત મોટા પેસેન્જર વિમાનોનું પણ ઉત્પાદન કરતું થઈ જશે.

આ પ્રસંગે ટાટા સન્સ કંપનીના ચેરમેન એન. ચંદ્રશેખરન પણ ઉપસ્થિત રહ્યા હતા. વડા પ્રધાન મોદીએ એમ પણ કહ્યું કે આજે ભારત નવી માનસિકતા અને નવા વર્ક કલ્ચર સાથે કામ કરી રહ્યો છે. આપણે કામચલાઉ નિર્ણયોની પદ્ધતિ છોડી દીધી છે અને ઈન્વેસ્ટરો માટે અનેક પ્રકારની સવલતો લાવ્યા છીએ. આપણે પ્રોડક્શન-લિન્ક્ડ ઈન્સેન્ટિવ સ્કીમ શરૂ કરી છે જેનાથી પરિવર્તન દેખાવા લાગ્યું છે. ટાટા-એરબસ વિમાન ઉત્પાદન પ્લાન્ટને લીધે એરોસ્પેસ અને સંરક્ષણ ક્ષેત્રે ટેક્નિકલ તથા કુશળ કારીગરો માટે રોજગારની અનેક તકોનું નિર્માણ થશે. ગુજરાતસ્થિત MSME નો વિકાસ એરોસ્પેસના વિશ્વસ્તરીય ધોરણોને સમાન આવશે.