મુંબઈઃ નામીચો ગેંગસ્ટર, ભારતે ભાગેડૂ અને મોસ્ટ વોન્ટેડ ગુનેગાર ઘોષિત કરેલો દાઉદ ઈબ્રાહિમ એક સમયે મુંબઈમાં અત્યંત કુખ્યાત અને શક્તિશાળી માણસોમાંનો એક હતો. 90ના દાયકામાં એની ધાક શહેરમાં ઘણા ક્ષેત્રોમાં પ્રવર્તતી હતી. મુંબઈ હિન્દી ફિલ્મ ઉદ્યોગ – બોલીવુડનું કેન્દ્ર ગણાય છે. આ ફિલ્મ ઉદ્યોગમાં પણ દાઉદની દાદાગીરી ચાલતી હતી. ગ્લેમર અને પૈસો દાઉદને બોલીવુડ તરફ ખેંચી ગયો હતો. એણે ઘણી ફિલ્મોમાં ઈન્વેસ્ટમેન્ટ કર્યું હતું. ઘણા ફિલ્મી સિતારાઓને એણે પોતાના મિત્રો બનાવ્યા હતા. કેટલાક ઉભરતા કલાકારોને એણે સ્ટાર પણ બનાવ્યા હતા. જોકે આ વિશે કોઈ સત્તાવાર સમર્થન મળ્યું નથી.
બોલીવુડમાં કેટલીક હિરોઈનો દાઉદની ગર્લફ્રેન્ડ પણ હોવાનું ચર્ચાતું હતું. એમાંની એક હિરોઈન પર એવો આરોપ મૂકાયો હતો કે તે જાસૂસી કરે છે. એને જ કારણે દાઉદના માણસોએ મુંબઈમાં એક ફિલ્મ નિર્માતાને ઠાર કર્યા હતા.
દાઉદની એ ગર્લફ્રેન્ડનું નામ છે અનિતા અય્યૂબ
અનિતા અય્યૂબ મૂળ પાકિસ્તાની અભિનેત્રી હતી અને 80ના દાયકાના અંતભાગમાં ભારત આવી હતી. 1993માં, દેવ આનંદે પોતાના પ્રોડક્શન હેઠળની ‘પ્યાર કા તરાના’ ફિલ્મમાં અનિતાને લોન્ચ કરી હતી. અનિતાએ આ પહેલાં પાકિસ્તાનમાં ઘણી ટીવી સિરિયલોમાં કામ કર્યું હતું અને ત્યાં એ ઘણી જાણીતી થઈ હતી. 1994માં અનિતા ફરી દેવ આનંદની અન્ય ફિલ્મ ‘ગેંગસ્ટર’માં ચમકી હતી. એ વખતે એવા અહેવાલો હતા કે અનિતા દાઉદ ઈબ્રાહિમની ગર્લફ્રેન્ડ છે, પણ તે અહેવાલોને અનિતા અનેક વાર નકાર્યાં હતાં.
1995માં એક બનાવે બોલીવુડમાં હલચલ મચાવી દીધી હતી અને અનિતા તથા દાઉદ વચ્ચે ખરેખર કોઈક કનેક્શન હોવાની ઘણાયને ખાતરી થઈ ગઈ હતી. કહેવાય છે કે, જાવેદ સિદ્દિકી નામના એક ફિલ્મ નિર્માતાએ એમની એક નવી ફિલ્મમાં અનિતાને કરારબદ્ધ કરવાની ના પાડતાં દાઉદના માણસોએ એમને ઠાર માર્યા હતા. જોકે આ સમાચારને પણ સમર્થન નથી મળ્યું. 90ના દાયકામાં એક પાકિસ્તાની ફેશન મેગેઝિને એવું લખ્યું હતું કે અનિતા વાસ્તવમાં પાકિસ્તાનની જાસૂસ છે. એ પછી તરત જ અનિતા પાકિસ્તાન પાછી જતી રહી હતી. 90ના દાયકાના અંતભાગમાં અનિતાએ સૌમિલ પટેલ નામના એક ભારતીય ઉદ્યોગપતિ સાથે લગ્ન કર્યાં હતાં અને ન્યૂયોર્ક શિફ્ટ થઈ હતી. એમને એક પુત્ર થયો હતો – શાઝેર. પરંતુ અમુક વર્ષ બાદ દંપતિએ છૂટાછેડા લીધા હતા. અનિતાએ ત્યારબાદ પાકિસ્તાની ઉદ્યોગપતિ સુબક મજીદ સાથે લગ્ન કર્યાં હતાં. એ હવે ભારત કે પાકિસ્તાનથી દૂર, વિદેશમાં જ ક્યાંક રહેતી હોવાનું કહેવાય છે.