યૂએઈ, સિંગાપોરના સેન્સરબોર્ડે ‘કશ્મીર ફાઈલ્સ’ને પાસ કરી

મુંબઈઃ દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીની હાલમાં જ ભારતમાં રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ ‘ધ કશ્મીર ફાઈલ્સ’ને સંયુક્ત આરબ અમિરાત (યૂએઈ) અને સિંગાપોરમાં રિલીઝ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ બંને દેશના સેન્સર બોર્ડે આ ફિલ્મને પાસ કરી દીધી છે.

‘ધ કશ્મીર ફાઈલ્સ’ ફિલ્મ 90ના દાયકામાં કશ્મીરમાં પાકિસ્તાનના સમર્થનવાળા અલગતાવાદી ઈસ્લામીઓએ કશ્મીરી હિન્દુ પંડિત લોકોને ટાર્ગેટ બનાવીને એમની કરેલી હત્યા અને તે અત્યાચારોને પગલે પંડિત સમાજનાં લોકોને કરવી પડેલી હિજરતની ઘટનાઓ પર આધારિત છે. કશ્મીરી હિન્દુઓને એમના પોતાના જ દેશમાં નિરાશ્રીત થઈને રહેવું પડ્યું હતું. અગ્નિહોત્રીએ તે ઘટનાઓને ફિલ્મના પડદા પર આવરી લીધી છે. ફિલ્મને ભારતભરમાં જોરદાર પ્રતિસાદ મળ્યો છે.

યૂએઈ અને સિંગાપોરના સેન્સર બોર્ડે ‘ધ કશ્મીર ફાઈલ્સ’ને પાસ કરી દીધાના સમાચાર જાણીને અગ્નિહોત્રીએ ખુશી વ્યક્ત કરી છે અને ટ્વિટર પર આને મોટા વિજય સમાન ગણાવ્યું છે કહ્યું છે કે ઈસ્લામીક દેશ (યૂએઈ)એ ચાર અઠવાડિયા સુધી ચકાસણી કર્યા બાદ ફિલ્મને ઝીરો કટ પાસ કરી દીધી છે.