બોલીવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો

મુંબઈઃ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી – બોલીવૂડ માટે એક વધુ દુઃખદ અને ચોંકાવનારા સમાચાર છે. ટેલેન્ટેડ અને દેખાવડો એક્ટર સુશાંત સિંહ રાજપૂત અહીંના બાન્દ્રા (વેસ્ટ) ઉપનગરમાં એના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. એ 34 વર્ષનો હતો.

સુશાંતના ઘરનોકરે સવારે ઘરમાં સુશાંતના મૃતદેહને લટકતો જોયો હતો અને એણે પોલીસને જાણ કરી હતી.

પોલીસોએ આવીને સુશાંતના મૃતદેહને વિલે પારલેની કૂપર હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ માટે મોકલ્યો હતો.

પોલીસ આ કેસમાં તપાસ કરી રહી છે. અગાઉ એવા અહેવાલો હતા કે સુશાંત છેલ્લા કેટલાક મહિનાઓથી કોઈક માનસિક તાણ હેઠળ હતો. બાદમાં એવા સમાચાર આવ્યા હતા કે પોલીસને સુશાંતના ઘરમાંથી કોઈ સુસાઈડ નોટ મળી નથી.

હિન્દી ફિલ્મ ઉદ્યોગ માટે આ અત્યંત આંચકાસમાન સમાચાર છે. હજી ગયા એપ્રિલમાં ઈરફાન ખાન અને રિશી કપૂર જેવા અભિનેતાઓના કેન્સરને કારણે મૃત્યુના સમાચારો હજી તાજા છે ત્યાં બોલીવૂડને એક વધુ ફટકો પડ્યો છે.

હજી ગયા સોમવારે સુશાંત સિંહ રાજપૂતની ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયાને મલાડમાં એની હાઉસિંગ સોસાયટીમાં 14મા માળ પરથી છલાંગ મારીને આત્મહત્યા કરી હતી.

સુશાંત સિંહે ઈન્સ્ટાગ્રામ પર પોતાનો આખરી સંદેશો ગઈ 3 જૂને મૂક્યો હતો. એમાં તેણે દિવંગત માતાને યાદ કરી હતી અને આમ લખ્યું હતું: ‘મા, આંસુઓમાંથી ધૂંધળો ભૂતકાળ વરાળ બનીને ઉડી રહ્યો છે. ક્યારેય સમાપ્ત ન થનાર સપનાઓ એક હાસ્યનો ચહેરો ધારણ કરે છે અને જિંદગી ચાલી રહી છે. આ બંનેની વચ્ચે વાટાઘાટ ચાલે છે #माँ ❤️”.’

ઉલ્લેખનીય છે કે, સુશાંત સિંહ જ્યારે 16 વર્ષનો હતો ત્યારે એની માતાનું નિધન થયું હતું.

સુશાંત સિંહ છેલ્લે ‘છીછોરે’ ફિલ્મમાં જોવા મળ્યો હતો, જે ફિલ્મ ગયા વર્ષે રિલીઝ થઈ હતી. એમાં તેની હિરોઈન શ્રદ્ધા કપૂર હતી.

1986ની 21 જાન્યુઆરીએ પટનામાં જન્મેલા સુશાંતે એની અભિનય કારકિર્દીનો આરંભ એકતા કપૂરના ટીવી શો પવિત્ર રિશ્તાથી કર્યો હતો.

2012માં ‘કાઈ પો છે’ ફિલ્મથી સુશાંત સિંહે બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી. ત્યારબાદ એણે ‘પીકે’, ‘કેદારનાથ’ ફિલ્મમાં કામ કર્યું હતું. ‘કેદારનાથ’ ફિલ્મ સારા અલી ખાનની પહેલી બોલીવૂડ ફિલ્મ હતી. સુશાંત સિંહની સૌથી વધારે હિટ ફિલ્મ હતીઃ ‘એમ.એસ. ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી.’

તેણે ‘શુદ્ધ દેસી રોમાન્સ’, ‘ડીટેક્ટિવ બ્યોમકેશ બક્ષી’, ‘રાબ્તા’, ‘વેલકમ ટુ ન્યૂયોર્ક’, ‘સોનચિડિયા’ અને ‘ડ્રાઈવ’ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. ‘ડીટેક્ટિવ બ્યોમકેશ બક્ષી’માં એણે શિર્ષક ભૂમિકા ભજવી હતી.

સુશાંત આ નવી ફિલ્મમાં કામ કરી રહ્યો હતો – ‘દિલ બેચારા’.

સુશાંત સિંહ રાજપૂતે AIEEEમાં સમગ્ર ભારતમાં 7મી રેન્ક હાંસલ કરી હતી અને દિલ્હી કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગ ડિગ્રી મેળવી હતી. ફિઝિક્સ ઓલિમ્પિયાડમાં પણ એ વિજેતા બન્યો હતો. બાદમાં એ મુંબઈમાં શામક દાવરના ડાન્સ ક્લાસીસમાં જોડાયો હતો અને બેરી જોન્સની એક્ટિંગ ક્લાસમાં અભિનયની તાલીમ લઈને એક્ટર બન્યો હતો.

સુશાંતના મૃત્યુ અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલું ટ્વીટઃ