સુશાંત સિંહનું મોત આપઘાત નહીં, સુનિયોજિત હત્યા છેઃ કંગના

મુંબઈઃ ગઈ કાલે અહીં બાન્દ્રા (વેસ્ટ) ઉપનગરસ્થિત પોતાના ઘરમાં મૃત અવસ્થામાં મળી આવેલા અને પ્રાથમિક તપાસ અનુસાર આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવી દેનાર અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને આજે અંતિમ વિદાય આપવામાં આવી. વિલે પારલેસ્થિત સ્મશાનભૂમિમાં તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. એના પિતા કે.કે. સિંહે દીકરાના પાર્થિવ શરીરને અગ્નિદાહ આપ્યો હતો. સુશાંત સિંહની આત્મહત્યા મામલે અભિનેત્રી કંગના રણૌતે એક સનસનીખેજ નિવેદન કર્યું છે. એણે સુશાંતના મોત પર દુઃખ વ્યક્ત કરતાં બોલિવુડ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેણે કહ્યું છે કે સુશાંત સિંહે આત્મહત્યા નથી કરી, પણ આ એક પ્લાન્ડ મર્ડર છે.

સુશાંતના મોતે આપણને બધાયને ભાંગી નાખ્યા છે

કંગનાએ કહ્યું હતું કે સુશાંતના મોતે આપણને બધાને ભાંગી નાખ્યા છે, પણ કેટલાક લોકો એ વાતમાં ચાલાક હોય છે કે કેવી રીતે વાતને ફેરવીને કહેવી છે. તે કહે છે કે જેનું મગજ નબળું હોય છે, તે ડિપ્રેશનમાં આવે છે અને માનસિક તાણ સહન ન કરી શકતાં આપઘાત કરે છે.

સુશાંતને  એવોર્ડ નથી મળ્યા

તેણે વધુમાં કહ્યું હતું કે જે સુશાંત એન્જિનિયરિંગમાં ટોપ કરે, રેન્ક હોલ્ડર હોય એનું મગજ કેવી રીતે નબળું હોઈ શકે? જો તેની છેલ્લી કેટલીક પોસ્ટ જુઓ તો તે લોકોથી કહી રહ્યો છે કે તેઓ તેની ફિલ્મો જુએ. નહીં તો તેને આ ઇન્ડસ્ટ્રીથી બહાર ફેંકી દેવાશે. તેનો કોઈ ગોડફાધર નથી. હું આશ્ચર્યચકિત છું કે શું આ ઘટના (આત્મહત્યા)નું કોઈ કારણ નથી. સુશાંતની છ વર્ષની કરીઅરમાં ‘કાઈ પો છે’ જેવી ફિલ્મ આપ્યા પછી પણ કોઈ પ્રશંસા કે એવોર્ડ નથી મળ્યાં.

આ સુસાઇડ નથી આ પ્લાન મર્ડર હતું

કંગનાએ વધુમાં કહ્યું હતું કે ‘છિછોરે’ જેવી ફિલ્મને પણ કોઈ એવોર્ડ નથી મળ્યો. ‘ગલી બોય’ જેવી એક વાહિયાત ફિલ્મને કેટલાય એવોર્ડ મળ્યા છે. અમને તમારાથી કંઈ નહીં જોઈએ, પણ અમે જે કામ કરીએ છે, કમસે કમ એની પ્રશંસા તો કરો. મારી પર કેમ છ કેસ કરવામાં આવ્યા છે? કેમ મારી ફિલ્મોને ફ્લોપ જાહેર કરવામાં આવે છે? લોકો મને મેસેજ  કરીને કહે છે કે તારો બહુ મુશ્કેલ સમય ચાલી રહ્યો છે, કોઈ આડુંઅવળું પગલું ન ભરતી. આવું કેમ કહે છે લોકો મને? મારા મગજમાં આવી વાતો કેમ ઘૂસાડે છે?  આ સુસાઇડ નથી આ પ્લાન્ડ મર્ડર હતું. સુશાંતની ભૂલ એ જ કે એણે તેમની વાત માની લીધી કે તું વર્થલેસ છો, તે માની ગયો.