સોનમ પરણી ગઈ; શીખ વિધિનુસાર થયેલા લગ્નમાં આનંદ આહુજાની પત્ની બની

મુંબઈ – બોલીવૂડ અભિનેત્રી સોનમ કપૂરે એનાં લાંબા સમયના બોયફ્રેન્ડ આનંદ આહુજા સાથે આજે અહીં પરંપરાગત શીખ-પંજાબી રીતરિવાજો અનુસાર લગ્ન કર્યા છે. લગ્નસમારંભમાં કપૂર અને આહુજા પરિવારોના સભ્યો, નિકટના મિત્રો તથા હિન્દી ફિલ્મ ઉદ્યોગની ખાસ હસ્તીઓએ હાજરી આપી હતી.

સોનમ ફેશન ડિઝાઈનર અનુરાધા વકીલે તૈયાર કરેલા રેડ એન્ડ ગોલ્ડન લેહંગા ચોલીમાં સજ્જ થઈ હતી. ફ્લોરલ ડ્રેસ સોનમની સુંદરતામાં વધારો કરતો હતો. એણે શાહી ઠાઠ ધરાવતી હેવી જ્વેલરી પણ પહેરી હતી.

સોનમનાં બંને હાથમાં ઘેરા મરૂન રંગની મેહંદી લગાડી હતી. એનાં બંને હાથની કલાઈ બંગડીઓથી ભરચક હતી.

આહુજાએ બંધગલા શેરવાની પહેરી હતી, જે રાઘવેન્દ્ર રાઠોરે ડિઝાઈન કરી હતી. માથા પર એણે ક્રીમ રંગનો સાફો પહેર્યો હતો. શેરવાની ઉપર એણે પર્લ અને રૂબીની માળા પહેરી હતી.

યુગલે સોનમનાં માસી કવિતા સિંહના બાન્દ્રા (વેસ્ટ) સ્થિત બંગલા ‘હેરિટેજ હવેલી’ ખાતે આયોજિત લગ્નસમારંભમાં લગ્નના ફેરા ફર્યા હતા. લગ્નસમારંભ બપોરે લગભગ 12.30 વાગ્યે યોજાયો હતો અને લગભગ દોઢ વાગ્યે એનું સમાપન થયું હતું.

લગ્ન સમારંભ એકદમ ખાનગી રાખવામાં આવ્યો હતો. સોનમ કારમાં બેસીને લગ્નસ્થળ, બંગલા પર પહોંચી હતી. મિડિયાકર્મીઓ કેમેરામાં ઝડપી ન લે એટલા માટે કારનાં કાચ પડદાઓથી ઢાંકી દેવામાં આવ્યા હતા.

બાદમાં, સોનમનાં કન્યાનાં લૂકવાળી સત્તાવાર તસવીરો રિલીઝ કરવામાં આવી હતી.

સોનમ જ્યારે નવવધૂનાં પરિધાનમાં સજ્જ થઈને લગ્નવિધિ માટે હાજર થઈ ત્યારે એનો સગો ભાઈ હર્ષવર્ધન અને પિતરાઈ ભાઈ અર્જૂન કપૂરે એની દોરવણી કરી હતી.

સોનમના પિતા અને પીઢ અભિનેતા અનિલ કપૂર તથા ભાઈ હર્ષવર્ધન કપૂર શેરવાનીઓમાં સ્માર્ટ દેખાતા હતા. તો પિતરાઈ બહેનો જ્હાન્વી, ખુશી, અંશુલા, શનાયા અને અર્જૂન પણ સ્પેશિયલ એથનિક ડિઝાઈનર વેરમાં પ્રભાવશાળી દેખાતા હતા.

લગ્ન પ્રસંગે બોની કપૂર, સંજય કપૂર, સંજયની પત્ની મહિપ પણ ઉપસ્થિત હતાં.

બોલીવૂડમાંથી અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, રાની મુખરજી, જેક્લીન ફર્નાન્ડિસ, સૈફ અલી ખાન-કરીના કપૂર, ડિઝાઈનર મસાબા ગુપ્તા, નિર્માતા કરણ જોહર, હેર સ્ટાઈલિસ્ટ પેર્નિયા કુરૈશી ઉપસ્થિત રહ્યા હતા.

આગામી હિન્દી ફિલ્મ ‘વીરે દી વેડિંગ’માં સોનમની સહ-કલાકાર બનેલી કરીના સોફ્ટ પિન્ક ડ્રેસમાં સુંદર લાગતી હતી. એ તેનાં પતિ સૈફ અલી ખાન અને પુત્ર તૈમુર અલીની સાથે આવી હતી.

જાવેદ અખ્તર, રણવીર સિંહ, આમિર ખાન એની પત્ની કિરણ રાવ અને મોટો પુત્ર જુનૈદ પણ લગ્નમાં હાજર રહ્યા હતા.

રણવીર સિંહ ફેશનેબલ સનગ્લાસીસ પહેરીને આવ્યો હતો.

સોનમે 2008માં ‘સાવરિયા’ ફિલ્મ સાથે બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી. ત્યારબાદ એ ‘દિલ્હી 6’, ‘રાંઝણા’, ‘ભાગ મિલ્ખા ભાગ’, ‘ખૂબસૂરત’, ‘પ્રેમ રતન ધન પાયો’, ‘નીરજા’ અને ‘પેડ મેન’માં ચમકી હતી.

લગ્ન સમારંભ બાદ લંચનું આયોજન કરવામાં આવ્યું હતું અને આજે સાંજે નવદંપતી મુંબઈની ફાઈવ સ્ટાર હોટેલ ધ લીલામાં સત્કાર સમારંભમાં હાજર થશે.

રાજ્યસભા સદસ્ય અમર સિંહ, બોની કપૂર, જ્હાન્વી કપૂર, ખુશી કપૂર

અંશુલા બોની કપૂર

સોનમનાં લગ્નસમારંભમાં હાજરી આપવા પહોંચ્યા છે સૈફ અલી ખાન અને કરીના કપૂર એમનાં પુત્ર તૈમુર અલી સાથે

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]