સ્વભાવમાં સરળતા, સંબંધમાં મધુરતા અને મૃત્યુની જાગૃતિ એટલે જ જીવન પ્રસન્નઃ ચંદ્ર ખત્રી

મુંબઈ– પ્રકૃતિએ માણસને જે વસ્તુ ઉપર પૂર્ણ નિયંત્રણની છૂટ આપી છે તે છે તેનો વિચાર. દરેક માણસ રોજ સેંકડો વિચાર કરે છે, તમામે તમામ વિચાર એના પ્રકાર મુજબ ચુંબકીય શક્તિનું નિર્માણ કરતો હોય છે. વ્યક્તિ-વસ્તુ કે સ્થિતિનું આકર્ષણ કે અપાકર્ષણ થયા કરે છે તે પોતે કરેલા વિચારની શક્તિ મુજબ જ બને છે. વિચાર હકારાત્મક હોય કે નકારાત્મક, વિચાર રોપાયા કે તરત એકના અનેકગણા પરિવર્તન પામવાનું શરૂ થઈ ગયું સમજો. આમ મુંબઈમાં આયોજિત ‘પ્રસન્ન જીવન’ કાર્યક્રમમાં જાણીતા લેખક ચંદ્ર ખત્રીએ જણાવ્યું હતું.પ્રસન્ન જીવન કાર્યક્રમમાં ખુબ મોટી સંખ્યામાં પ્રસન્ન જીવન માણવાની ઈચ્છા ધરાવનારા લોકો ઉપસ્થિત રહ્યા હતા, અને ચંદ્ર ખત્રી પાસેથી ટિપ્સ મેળવી હતી. ચંદ્ર ખત્રીએ કાર્યક્રમમા જણાવ્યું હતું કે માણસ જ્યાં સુધી વિચાર નથી કરતો ત્યાં સુધી કંઈપણ નિર્માણ નથી થતું. જીવનમાં મળેલી ઉપલબ્ધિ એ વાત ઉપર નિર્ભર છે કે આપણે શું વિચારીએ છીએ. માણસ પોતાના વિચારોના પ્રવાહને ફેરવીને પોતાનું જીવન બદલી શકે છે. માણસનું જીવન મર્યાદિત સમયનું છે અને એમા બિનજરૂરી કે ફાલતું બાબતોમાં સમય ગુમાવીને જીવવાની અસલી મજાને ઓછી કરી નંખાય છે. આંતરમનની શક્તિને અવગણવાનું છોડીને આંતરમન ઉપર શ્રદ્ધા અને ભરોસો રાખીને કામ પાડતા શીખી જાય તો જીવનમા હતાશા અને નિરાશાને દૂર રાખી શકે છે.

સુખની શોધ માટે ફરતો માણસ બહાર ફાંફા મારવાનું બંધ કરી શકતો નથી કારણ કે એને પોતાના માનસ ઉપર નિયંત્રણ રાખવાની ખબર નથી. વર્તમાન યુગ તમામ ક્ષેત્રે માનસિક તાણનો યુગ છે. સતત તાણ જીવનને ઊર્જાને ભયંકર નુકશાન પહોંચાડે છે. આપણી માનસિક ક્રિયાઓનો નેવું ટકા હિસ્સો અર્ધજાગૃત મનમાં રચાય છે, અને પલકભરમાં છુપા દરવાજે તે જાગૃત મનની સપાટી ઉપર આવી પહોંચે છે. વિચાર એ માનવીની પોતીકી અને અંગત માલિકીની મિલકત હોવા છતાં એના ઉપયોગ બાબતે માણસ બિલકુલ બેદરકાર રહીને જીવન પુરુ કરી નાંખે છે. તાણ અને ઉશ્કેરાટની અસર સામેવાળા કરતાં એ કરનારને સહુથી પહેલા અને વધારે માત્રામાં ભોગવવાની આવે છે. જેમજેમ જીવન જીવાતું જાય તેમ વીતી ગયેલા જીવનને તપાસવાની ટેવ પડે તો વ્યક્તિના વહેવારમાં ખૂબ બધી મીઠાશ પ્રવેશી શકે છે.ચંદ્ર ખત્રીએ કહ્યું કે જીવન ક્ષણક્ષણ છે છતાં આપણે જે વીતી ગયું છે, એમાં રસ લઈએ છીએ. જે હજુ આવ્યું નથી તેમાં રસ લઈએ છીએ. પરંતુ આ ક્ષણ કે જે સામે મોજૂદ છે, એને જીવવાની પડી નથી. જીવન અનેક રહસ્યોથી ભરપુર ભલે રહ્યું પરંતુ જીવનને સાચી રીતે માણવા મૃત્યુને ઓળખવું પડે. આપણે મૃત્યુથી ભયભીત છીએ. હકીકતમાં મૃત્યુ એ ભય અને ડરનો વિષય છે જ નહી. જીવનમાં આવતાં અન્ય શુભ પ્રસંગોની જેમ મૃત્યુ પણ મંગળ અવસર છે એમ સમજવાની દ્રષ્ટિ કેળવાય તો ડર રહે જ નહી.

મૃત્યુનો ભય કાઢવા માટેનો એક અદભુત કિમિયો બતાવતા ચંદ્ર ખત્રીએ કહ્યું હતું કે સ્મશાનમાં શબને ચિતા પર ગોઠવી આપ્તજનો શોકમાં ગરકાવ હોય છે અને અન્ય સ્વજનો આઘાપાછા થઈ ગપ્પા ગોષ્ટિમાં લાગી જાય છે. કોઈ સ્વજનની સ્મશાન યાત્રામાં જવાનું થાય ત્યારે ચિતા પર જેમનું શબ બળે છે તેની જગ્યાએ વ્યક્તિએ પોતાની જાતને બળતી જોવાની છે. જોનારને આશ્ચર્ય થશે કે થોડી મિનીટોમાં ચિતા પર પડેલા શબની જગ્યાએ ખરેખર પોતાને પડેલો જોશે. શરૂઆતમાં કંપી જવાશે પણ આ રીતે જોવાનો પ્રયોગ સતત ચાલુ રાખતા જીવનના અનેક દુર્લભ રહસ્યોનો તાગ સ્ફુરવો શરૂ થશે.વ્યક્તિની પોતાની અંદર રહેલી આંતરિક શક્તિને ઓળખવાની તાલીમ મળે તેવા આ અનોખા આયોજનમાં પ્રસન્ન જીવન કાર્યક્રમના સર્જક ચંદ્ર ખત્રીએ વ્યક્તિ વિકાસ માટેના અનેક પાસાંઓ જેમ કે માનસિક એકાગ્રતા, સ્વભાવ પરિવર્તન, ચિંતા અને તનાવમુક્ત જીવન જીવવાનો ઉપાય, નકારાત્મક ભાવોને દૂર કરી સર્જનાત્મક જીવન બનાવવાની કળા, ટાઈમ મેનેજમેન્ટ, શારીરિક સ્વાસ્થ્ય, ધ્યેય પ્રાપ્તિ અને પ્રસન્ન જીવનના ચાવીરૂપ અનેક પાસાંઓ દર્શાવ્યા હતાં. કાર્યક્રમમાં ઉપસ્થિત છલોછલ હાજરીની તેમણે માનસિક તણાવ દૂર કરવાના અને સુખની અનુભુતિ માટેના કેટલાક વિશિષ્ટ પ્રયોગ શીખવ્યાં હતાં.