‘સિંઘમ’ ફિલ્મના કલાકાર રવિન્દ્ર બેર્ડેનું મુંબઈમાં હાર્ટએટેકથી અવસાન

મુંબઈઃ હિન્દી અને મરાઠી ફિલ્મોના જાણીતા કલાકાર રવિન્દ્ર બેર્ડેનું આજે સવારે અહીં અવસાન થયું છે. એમને ગળાનું કેન્સર હતું અને એ માટે તેઓ ટાટા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. એમને બે દિવસ પહેલાં જ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આજે હાર્ટ એટેક આવતાં એમનં નિધન થયું હતું. તેઓ 78 વર્ષના હતા.

રવિન્દ્ર બેર્ડેએ 100થી વધારે ફિલ્મોમાં કામ કર્યું હતું. અજય દેવગન અભિનીત ‘સિંઘમ’ ફિલ્મમાં એમણે જમીનદાર ચંદ્રકાંતની ભૂમિકા ભજવી હતી. 2001માં અનિલ કપૂર અભિનીત ‘નાયકઃ ધ રીયલ હીરો’ ફિલ્મમાં પણ એમણે કરેલા અભિનયની પ્રશંસા કરવામાં આવી હતી. રવિન્દ્ર બેર્ડે મરાઠી ફિલ્મ ઉદ્યોગમાં વધારે જાણીતા હતા. ત્યાં એમની ફિલ્મી કારકિર્દી 6 દાયકા લાંબી રહી હતી.

રવિન્દ્ર બેર્ડેના પરિવારમાં એમના પત્ની, બે સંતાન, પુત્રવધૂ અને પૌત્ર છે. તેઓ જાણીતા અભિનેતા સ્વ. લક્ષ્મીકાંત બેર્ડેના ભાઈ હતા.