‘ડંકી’ ફિલ્મની રિલીઝ પૂર્વે શાહરૂખે વૈષ્ણો દેવી મંદિરમાં જઈને કર્યા દર્શન

મુંબઈઃ હિન્દી ફિલ્મોના સંદર્ભમાં, 2023ના વર્ષમાં શાહરૂખ ખાનનું વર્ચસ્વ રહ્યું. આ વર્ષમાં શાહરૂખની બે ફિલ્મ જોવા મળી હતી – ‘પઠાણ’ અને ‘જવાન’. આ બંને ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. હવે તે વર્ષનો અંત પણ ધમાકેદાર કરવાને આરે છે. એની નવી ફિલ્મ ‘ડંકી’ 21 ડિસેમ્બરે, નાતાલના તહેવારના દિવસોમાં થિયેટરોમાં રિલીઝ થવાની છે. રાજકુમાર હિરાની દિગ્દર્શિત આ ફિલ્મમાં શાહરુખ સાથે તાપસી પન્નૂ અને વિકી કૌશલ પણ મહત્ત્વની ભૂમિકામાં છે.

એક અહેવાલ અનુસાર, શાહરૂખે ‘ડંકી’ની રિલીઝ પૂર્વે, ફિલ્મની સફળતા માટે જમ્મુ સ્થિત માતા વૈષ્ણો દેવી મંદિરમાં જઈને દર્શન કર્યા હતા. આજે સવારથી એક ધાર્મિક સ્થળનો એક વીડિયો ઈન્ટરનેટ પર ફરી રહ્યો છે. એમાં શાહરૂખ, એની મેનેજર પૂજા દદલાની તથા કેટલાક સુરક્ષા જવાનો ધાર્મિક સ્થળ તરફ જતા દેખાય છે. જોકે યાત્રાળુઓ પોતાને ઓળખી ન લે એ માટે શાહરૂખે એનો ચહેરો એક સ્કાર્ફ તથા એના પફ્ડ જેકેટના કાળા રંગના હૂડી વડે ઢાંક્યો હતો. અહેવાલમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે વૈષ્ણો દેવી મંદિર ખાતે આ વર્ષમાં શાહરૂખની આ ત્રીજી મુલાકાત હતી. ‘પઠાણ’ અને ‘જવાન’ ફિલ્મોની રિલીઝ પૂર્વે પણ તે અહીં આવ્યો હતો.