મુંબઈઃ ગયા અઠવાડિયે થિયેટરોમાં રિલીઝ થયેલી અને બોક્સ ઓફિસ પર મિશ્ર પ્રત્યાઘાતો પામેલી રણબીર કપૂર, રશ્મિકા મંદાના, બોબી દેઓલ અભિનીત અને સંદીપ રેડ્ડી વાંગા દ્વારા દિગ્દર્શિત હિન્દી ફિલ્મ ‘એનિમલ’નો જાણીતા ગાયક અદનાન સામીએ બચાવ કર્યો છે. પણ આ ફિલ્મને પસંદ ન કરનારાઓએ સોશિયલ મીડિયા પર સામીની તીવ્રતાપૂર્વક ઝાટકણી કાઢી છે અને કહ્યું છે કે, ‘આ ફિલ્મ હિંસાવાદી, લૈંગિકતાવાદી અને સ્ત્રી-ઘૃણાવાદી છે તેથી એનો બચાવ ન કરાય.’
સામીએ આજે એમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફિલ્મના સમર્થનમાં એક લાંબી નોંધ પોસ્ટ કરી છે અને લોકોને ફિલ્મના વિશ્લેષણમાં અતિરેક કરવાનું, વધારેપડતો વિચાર કરવાનું અને નૈતિકતાનો અતિરેક કરતી ફિલ્મોના ગુણગાન ગાવાનું બંધ કરવા કહ્યું છે. સામીએ કહ્યું કે, ‘મેં ‘એનિમલ’ હજી ફિલ્મ જોઈ નથી, પણ એક સર્જનાત્મક કલાકારને એની ઈચ્છા મુજબ પોતાની કલાને દર્શાવવાના અધિકારનો હું અહીં બચાવ કરવા માગું છું.’
પણ અદનાન સામીની કેટલાક આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે. એક નેટયૂઝરે લખ્યું છે, ‘અદનાનને કહો કે લિંગ પરિવર્તન કરાવે અને એક દિવસ માટે સ્ત્રી બનીને રહે.’ બીજા એક નેટયૂઝરે લખ્યું છે, ”એનિમલ’ ફિલ્મ બનાવીને તેના દિગ્દર્શકે બતાવી દીધું છે કે એમની માનસિકતા કેવી છે. આવા લોકો એવું માને છે કે સ્ત્રીઓ માત્ર પુરુષોની ગુલામ જ છે.’ ત્રીજા એક જણે લખ્યું છે, ‘જે લોકોએ ફિલ્મ જોઈ ન હોય એ લોકો આટલા જોરમાં એનો બચાવ કઈ રીતે કરી શકે? આવા લોકો એ વાત સમજતા જ નથી કે ફિલ્મ જોનારાઓ એની ટીકા શા માટે કરે છે. લોકોની ટીકાનો વિરોધ કરતા પહેલા તમારે એ ફિલ્મ જોવી જોઈએ.’
View this post on Instagram