જિતેન્દ્ર, સચિન પિલગાંવકરને મળવા બેચેન છે જુનિયર મહેમૂદ

નવી દિલ્હીઃ વીતેલા જમાનામાં બોલીવૂડના મશહૂર એક્ટર રહેલા જુનિયર મહેમૂદ પેટના કેન્સર સામે ઝઝૂમી રહ્યા છે. તે ચોથા સ્ટેજ પર છે અને તેમની હાલત અત્યંત નાજુક છે. તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હાલમાં જ સુપ્રસિદ્ધ કોમેડિયન જોની લીવરે તેમના ઘરે મુલાકાત લીધી હતી અને તેમને મળ્યા હતા. જોકે મહેમૂદ તેમના નાનપણના મિત્ર સચિન પિલગાંવકર અને નજીકના એક્ટર જિતેન્દ્રથી મળવા ઇચ્છે છે, એમ તેમની નજીકના મિત્ર સલામ કાઝીએ જણાવ્યું હતું.

જુનિયર મહેમૂદે જિતેન્દ્ર સાથે અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું અને ત્યારે તેમની મિત્રતા હતી. સલામ કાઝી ઝુનિયર મહેમૂદ સાથે છેલ્લાં 15 વર્ષથી સાથે છે અને તેમણે જણાવ્યું હતું કે જુનિયર મહેમૂદ હજી પણ જિતેન્દ્ર અને સચિન પિલગાંવકરને મિસ કરી રહ્યા છે. તેમણે સચિન પિલગાંવકરને મેસેજ પણ કર્યો હતો, પણ કોઈ જવાબ નથી આવ્યો. સચિન પિલગાંવકરે જુનિયર મહેમૂદને વિડિયો કોલ કર્યો હતો પણ વ્યક્તિગત રીતે મળવા નહોતો આવ્યો.

જો કેટલાક રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો, ટૂંક સમયમાં સર્જરી દ્વારા જુનિયર મહેમૂદના પેટમાંથી ગાંઠ દૂર કરવામાં આવશે. હાલ તેની હાલત અત્યંત નાજુક છે. આ દરમિયાન એક્ટર-કોમેડિયન જોની લીવર જુનિયર મહેમૂદના ઘરે ગયા અને તેમને મળ્યા હતા. આ મીટિંગનો એક વિડિયો સોશિયલ મિડિયા પર વાઇરલ થયો છે, જેમાં જુનિયર મહેમૂદ કેમેરા તરફ જોઈને અંગૂઠાનો ઇશારો કરી રહ્યા છે. બીમારીને કારણે તેમનું 20 કિલો વજન ઘટ્યું.

જુનિયર મહેમૂદનું સાચું નામ નઈમ સૈયદ છે. જુનિયર મહેમૂદ નામ તેમને પ્રખ્યાત હાસ્ય કલાકાર મહેમૂદ અલીએ પોતે આપ્યું હતું. જુનિયર મહેમૂદે પોતાની કારકિર્દી બાળકલાકાર તરીકે શરૂ કરી હતી. તેઓ ‘બ્રહ્મચારી’, ‘મેરા નામ જોકર’, ‘દો ઔર દો પાંચ’ અને ‘પરવરિશ’ જેવી ફિલ્મોમાં જોવા મળ્યા હતા.

તેમણે કેટલીક મરાઠી ફિલ્મોનું નિર્દેશન પણ કર્યું. આ સિવાય તેમણે ‘તેનાલી રામા’ અને ‘પ્યાર કા દર્દ હૈ મીઠા મીઠા પ્યારા પ્યારા’ જેવી સિરિયલોમાં પણ કામ કર્યું છે. ડોક્ટરોના જણાવ્યા મુજબ તેમની પાસે હવે માત્ર 40 દિવસનો સમય બચ્યો છે.