શાહરૂખ ખાનને મુંબઈ પોલીસ તરફથી ‘Y-પ્લસ’ સુરક્ષા કવચ

મુંબઈઃ બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની છેલ્લી બે ફિલ્મ ‘પઠાણ’ અને ‘જવાન’ – બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ છે અને જબ્બર કમાણી કરી છે. એને પગલે શાહરૂખને ધમકી મળવાનું પણ વધી ગયું છે. તેથી મુંબઈ પોલીસે એને ‘Y-પ્લસ’ કેટેગરીનું સુરક્ષા કવચ પૂરું પાડ્યું છે. પોતાને ધમકીઓ મળતી હોવાની શાહરૂખે મહારાષ્ટ્ર સરકારને લેખિતમાં ફરિયાદ કરી હતી. તેથી રાજ્યના ગૃહ મંત્રાલયે શાહરૂખને સુરક્ષા કવચ પૂરું પાડવાનો નિર્ણય લીધો છે.

આ નિર્ણયને પગલે, છ પોલીસ કમાન્ડો શાહરૂખનું રક્ષણ કરશે, એમ મુંબઈ પોલીસે એક નોટિફિકેશનમાં જણાવ્યું છે. શાહરૂખના તમામ છ કમાન્ડો (બોડીગાર્ડ) વીઆઈપી સિક્યુરિટી યુનિટમાંથી તાલીમ પામેલા છે. આ યુનિટ મહારાષ્ટ્ર પોલીસનું સ્પેશિયલ પ્રોટેક્શન યુનિટ છે. આ સુરક્ષા જવાનો એમપી-5 મશીન ગન, એકે-47 એસોલ્ટ રાઈફલ, ગ્લોક પિસ્તોલ સાથે સજ્જ રહેશે. મુંબઈના બાન્દ્રા વેસ્ટમાં આવેલા શાહરૂખના નિવાસસ્થાને ચાર શસ્ત્રધારી પોલીસજવાન કાયમ પહેરો ભરશે.