મુંબઈઃ બોલીવૂડ અભિનેતા સંજય દત્ત, જેમને ફેફસાનું કેન્સર હોવાનું નિદાન થયું છે અને હાલ તે માટે મુંબઈમાં સારવાર હેઠળ છે. તે ગઈ કાલે મુંબઈમાં જાણીતા સલૂનમાં હેર-કટ કરાવવા ગયા હતા. ત્યાં બોલીવૂડ સેલિબ્રિટીઓના જાણીતા હેરસ્ટાઈલિસ્ટ આલીમ હકીમે એમના વાળ કાપ્યા હતા. આલીમ હકીમે એની તસવીરો અને વિડિયો ક્લિપ્સ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
આ સમાચાર અને વિડિયો જોઈને સંજય દત્તના પ્રશંસકોને જરૂર રાહત થશે, કારણ કે હજી અમુક દિવસો પહેલાં જ શરીરે એકદમ નબળા પડી ગયેલા સંજયની તસવીરો ઈન્ટરનેટ પર વાઈરલ થતાં એના પ્રશંસકો એમના સ્વાસ્થ્ય માટે ચિંતિત થયા હતા.
નવા વિડિયોમાં સંજય દત્ત એમના પ્રશંસકોને ખાતરી આપતા જોઈ શકાય છે કે પોતાના જીવનમાં હાલ મોટો ગભરાટ ઊભો કરનાર કેન્સરને પોતે માત કરીને રહેશે.
સોશિયલ મિડિયા પર પોતે શેર કરેલા વિડિયો સાથેની કેપ્શનમાં 61 વર્ષીય સંજયે લખ્યું છેઃ ‘હાઈ, આ છે સંજય દત્ત. સલૂનની ફરી મુલાકાત લઈ શક્યો એનો આનંદ છે. હેર કટ કરાવ્યા. તમે જોઈ શકો છો, મારા જીવનમાં તાજેતરમાં મોટો ગભરાટ ઊભો થયો છે, પણ હું એને માત કરી દઈશ. હું આ કેન્સરની બીમારીમાંથી ટૂંક સમયમાં જ બહાર આવી જઈશ.’
સંજયે એમ પણ કહ્યું છે કે પોતે એમની નવી ફિલ્મ ‘KGF: ચેપ્ટર 2’નું શૂટિંગ નવેમ્બરમાં શરૂ કરવાના છે અને એમાં પોતાના પાત્રના લૂક માટે જ હાલ હેર કટ કરાવી છે અને દાઢીને શેપ અપાવ્યો છે. ‘સેટ પર પાછા ફરી શકવાનો મને આનંદ છે. ‘શમશેરા’ ફિલ્મ માટે ડબિંગ પણ શરૂ કરવાનો છું. કામ પર પાછા ફરી શકવાનો આનંદ છે.’
સંજયે કેન્સરની સારવારના ભાગરૂપે કિમોથેરાપી સત્રનું પ્રથમ ચક્ર પૂરું કર્યું છે.
સંજય ‘શમશેરા’ અને ‘KGF: ચેપ્ટર 2’ ઉપરાંત ‘ટોરબાઝ’ અને ‘પૃથ્વીરાજ’ ફિલ્મોમાં કામ કરવા માટે પણ કરારબદ્ધ થયા છે.
