સાત મહિના પછી સિનેમા હોલ, મનોરંજન પાર્ક આજથી ખૂલશે

નવી દિલ્હીઃ કોરોના સંકટની વચ્ચે માર્ચથી બંધ સિનેમા હોલ આજથી ખૂલશે. કેન્દ્ર સરકારે અનલોક-5 હેઠળ 15 ઓક્ટોબરથી સિનેમાઘરો, મલ્ટિપ્લેક્સ, સ્વિમિંગ પૂલ અને મનોરંજન પાર્ક ખોલવાની મંજૂરી આપી છે. સિનેમા હોલ અને મલ્ટિપ્લેક્સ માટે માહિતી અને પ્રસારણ મંત્રાલયે વિસ્તૃત ગાઇડલાઇન્સ જારી કરી છે. જોકે રાજ્ય સરકારો દ્વારા પણ સિનેમા હોલ માલિકોને સખત નિર્દેશ આપવામાં આવ્યા છે. સિનેમા હોલમાં માસ્ક પહેરવો, સામાજિક અંતરનું પાલન, થર્મલ સ્ક્રીનિંગની જોગવાઈ, હેન્ડવોશ અને સેનિટાઇઝરનો ઉપયોગ કરવાનો ફરજિયાત છે.

આ કડક જારી દિશા-નિર્દેશોની સાથે આજથી સિનેમા હોલ 50 ટકા ક્ષમતાની સાથે ખૂલશે. કેન્દ્ર દ્વારા જારી થયેલા નિયમો અનુસાર સિનેમા હોલમાં એક પછી એક સીટ ખાલી રહેશે. હોલની સંપૂર્ણ ક્ષમતાના 50 ટકા દર્શકો જ અંદર આવી શકશે. કોવિડ-19 ગાઇડલાઇન્સ અનુસાર હોલની અંદર બધાએ હંમેશાં માસ્ક પહેરી રાખવો પડશે. સિનેમા હોલની અંદર વેન્ટિલેશનની યોગ્ય વ્યવસ્થા જરૂરી છે અને A/cનું ટેમ્પરેચર 23 ડિગ્રીથી ઉપર રાખવાનું રહેશે.

નિયમોનું પાલન કરવાનું રહેશે

કેન્દ્ર સરકારના દિશા-નિર્દેશો અનુસાર સિનેમા હોલમાં પ્રવેશ માટે આરોગ્ય સેતુ એપ હોવી ફરજિયાત છે. સિનેમા હોલમાં દરેક બીજી સીટ પર ક્રોસ માર્ક લગાડેલો હોવો જોઈએ એટલે કે એ સીટ પર બેસવું વર્જ્ય છે. સિનેમા હોલ 50 ટકા ક્ષમતાની સાથે ખૂલશે. ફિલ્મ જોવા દરમ્યાન કોઈ પણ પ્રકારની ચીજવસ્તુની ખાવા-પીવા પર સપૂર્ણ પ્રતિબંધ રહેશે.

 માત્ર ઓનલાઇન ટિકિટ

નિયમો અનુસાર સિનેમા હોલની બહાર ટિકિટ વિન્ડો બંધ રહેશે અને માત્ર ઓનલાઇન માધ્યમથી ટિકિટ ખરાદવાની મંજૂરી હશે. સિનેમા હોલમાં એન્ટ્રી અને એક્ઝિટ ગેટ, લોબીને સમયાંતરે સેનિટાઇઝ કરવામાં આવશે અને દરેક શો પછી સિનેમા હોલની સફાઈ કરાશે. સિનેમા હોલના મેનેજમેન્ટ પર બધા દર્શકો માટે સેનિટાઇઝરની વ્યવસ્થા કરવાની જવાબદારી રહેશે.

 યુપી સરકારે પણ નિયમ જારી કર્યા

ઉત્તર પ્રદેશમાં 15 ઓક્ટોબરથી સિનેમા હોલ ખૂલશે. રાજ્યના ચીફ સેક્રેટરી આરકે તિવારીએ જણાવ્યું હતું કે સિનેમા હોલ્સના કોમન એરિયા અને વેટિંગ એરિયામાં દરેક વ્યક્તિએ કમસે કમ છ ફૂટનું અંતર જાળવવું પડશે. સેનિટાઇઝરની વ્યવસ્થા જરૂરી છે. ઓડિટોરિયમમાં અંદર જતાં પહેલાં દરેક વ્યક્તિનું થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવશે.

 સ્વિમિંગ પૂલ અને મનોરંજન પાર્ક

આજથી મનોરંજન પાર્ક અને સ્વિમિંગ પાર્કને ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. સ્પોર્ટ્સ મંત્રાલયના જારી દિશા-નિર્દેશો મુજબ ઓલિમ્પિક સાઇઝના પૂલમાં એક વારમાં 20 તરવૈયા ટ્રેનિંગ લઈ શકે છે. જોકે તરવૈયાઓએ કોરોના નેગેટિવ સર્ટિફિકેટ આપવું પડશે. પાર્ક મેનેજમેન્ટે પર્યાપ્ત સુરક્ષા અધિકારીઓ તહેનાત કરવા પડશે, જેથી પાર્કમાં ભીડને નિયંત્રિત કરી શકાય.