‘પઠાણ’: ગુજરાતના મલ્ટીપ્લેક્સમાલિકોએ થિયેટરો ખાતે માગી સુરક્ષા

અમદાવાદઃ શાહરૂખ ખાન, દીપિકા પદુકોણ અને જોન અબ્રાહમ અભિનીત વિવાદાસ્પદ હિન્દી ફિલ્મ ‘પઠાણ’ આવતી 25 જાન્યુઆરીથી દેશભરમાં થિયેટરોમાં રિલીઝ થવાની છે તે પૂર્વે થિયેટરો ખાતે સુરક્ષા બંદોબસ્ત પૂરો પાડવામાં આવે એવી ગુજરાતના મલ્ટીપ્લેક્સ માલિકોના સંગઠનોએ માગણી કરી છે. તેમણે આ બાબતમાં હસ્તક્ષેપ કરવાની ગુજરાત સરકારને વિનંતી કરી છે.

ગુજરાત મલ્ટીપ્લેક્સ એસોસિએશને રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીને વિનંતી કરી છે કે સિનેમાગૃહો ખાતે સુરક્ષા બંદોબસ્ત પૂરો પાડવામાં આવે. ઉલ્લેખનીય છે કે બજરંગ દળે ધમકી આપી છે કે ગુજરાતમાં જે કોઈ થિયેટર ‘પઠાણ’ ફિલ્મ બતાવશે એની સામે તેઓ પગલાં લેશે. આ ફિલ્મને રિલીઝ કરવાની સેન્સર બોર્ડે મંજૂરી આપી દીધી છે.