મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં સંજય દત્તનું શિવસેનાને સમર્થન; વિડિયો રિલીઝ કર્યો

મુંબઈ – આગામી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે  બોલીવૂડ અભિનેતા સંજય દત્તે શિવસેના પાર્ટી માટે પોતાનો ટેકો જાહેર કર્યો છે.

21 ઓક્ટોબરે જેનું મતદાન છે તે મહારાષ્ટ્ર રાજ્યની ચૂંટણી માટે બધી રાજકીય પાર્ટીઓ પોતપોતાના માટે નામાંકિત હસ્તીઓનું સમર્થન મેળવવા માટે પ્રયત્નશીલ છે. એમાં સંજય દત્તે શિવસેના પાર્ટીને પસંદ કરી છે.

સંજયે એક વિડિયો રિલીઝ કરીને શિવસેના માટે પોતાનો ટેકો જાહેર કર્યો છે. એણે શિવસેનાની યુવા સેનાનાં પ્રમુખ અને વરલી મતવિસ્તારના ઉમેદવાર આદિત્ય ઠાકરે માટે પોતાનો ટેકો જાહેર કર્યો છે અને એમને જીતની શુભેચ્છા આપી છે.

આ વિડિયો શિવસેના પાર્ટીના નેતા રાહુલ એન. કનલે ટ્વિટર પર શેર કર્યો છે.

સંજય દત્ત વિડિયોમાં બોલે છે કે આદિત્ય ઠાકરે મારા નાના ભાઈ સમાન છે. મોટા સાહેબ (બાળાસાહેબ ઠાકરે)એ મને ઘણો સપોર્ટ કર્યો હતો. એમણે મારા પરિવારને ખૂબ જ સપોર્ટ કર્યો હતો. એ મારે મન પિતા સમાન હતા અને હું એમને ક્યારેય ભૂલી નહીં શકું.

સંજય દત્તે એવી આશા વ્યક્ત કરી છે કે આદિત્ય ઠાકરે સૌથી મોટા માર્જિનથી ચૂંટણીમાં જીતશે.

ઉલ્લેખનીય છે કે સંજય દત્તનો ટેકો મેળવવા માટે કેન્દ્રીય પ્રધાન અને ભાજપના સિનિયર નેતા નીતિન ગડકરીએ પણ એનો સંપર્ક કર્યો હતો, પણ સંજયે સ્પષ્ટતા છે કે એ કોઈ પણ રાજકીય પાર્ટી સાથે સંકળાયેલો નથી.