મુંબઈઃ ચંડીગઢના એક વેપારીએ તેની સાથે છેતરપીંડી કરાયાની ફરિયાદ નોંધાવ્યા બાદ તે શહેરની પોલીસે અભિનેતા સલમાન ખાન, એની બહેન અલ્વીરા અગ્નિહોત્રી તથા અન્ય છ જણને નોટિસ મોકલી હતી. પરંતુ સલમાનની એનજીઓ બીઈંગ હ્યુમન ફાઉન્ડેશનની લાઈસન્સધારક બીઈંગ હ્યુમન જ્વેલરી કંપની – સ્ટાઈલ ક્વોશન્ટ જ્વેલરી પ્રા.લિ.એ એક નિવેદન દ્વારા સ્પષ્ટ કર્યું છે કે આ કેસ સાથે સલમાન કે અલ્વીરાને કોઈ લેવાદેવા નથી.
બીઈંગ હ્યુમનના સીઈઓ તથા સ્ટાઈલ ક્વોશન્ટ જ્વેલરીના અધિકારીઓને ફરિયાદને પગલે 13 જુલાઈ સુધીમાં ચંડીગઢ પોલીસ સમક્ષ હાજર થવા જણાવાયું છે. ચંડીગઢના અરૂણ ગુપ્તા નામના વેપારીએ ફરિયાદ કરી છે કે ચંડીગઢમાં બીઈંગ હ્યુમન જ્વેલરી બ્રાન્ડ હેઠળ સ્ટોર શરૂ કરવા માટે પોતે ઈન્વેસ્ટમેન્ટ સ્વરૂપે સ્ટાઈલ ક્વોશન્ટને 2018માં બેથી ત્રણ કરોડ ચૂકવ્યા હતા. એમને ગેરન્ટી આપવામાં આવી હતી કે કંપની એમને બધી રીતે ટેકો પૂરો પાડશે, પરંતુ કંપની તરફથી એવો કોઈ ટેકો પૂરો પાડવામાં આવ્યો નથી.