‘વિક્રમ વેધા’ની હિન્દી રીમેક માટે સૈફ-હૃતિક કરારબદ્ધ

મુંબઈઃ બોલીવુડ અભિનેતાઓ સૈફ અલી ખાન અને હૃતિક રોશન એક દાયકા કરતાં પણ વધારે સમય બાદ ફરી એક ફિલ્મમાં સાથે કામ કરવાના છે. આ બંને અભિનેતાને તામિલ ફિલ્મ ‘વિક્રમ વેધા’ની હિન્દી રીમેક માટે કરારબદ્ધ કરવામાં આવ્યા છે. આ બંને અભિનેતાએ 2009માં આવેલી હિન્દી ફિલ્મ ‘લક બાય ચાન્સ’માં સાથે મહેમાન કલાકાર તરીકે કામ કર્યું હતું. મુખ્ય કલાકારો હતા ફરહાન અખ્તર અને ઈશા શરવાની.

જાણીતા વાર્તાના પાત્રો – રાજા વિક્રમ અને વેતાલ પર આધારિત તામિલ ફિલ્મ ‘વિક્રમ વેધા’ બનાવનાર દિગ્દર્શક જોડી – પુષ્કર અને ગાયત્રી જ હિન્દી રીમેક બનાવશે. ફિલ્મને આ વર્ષના સપ્ટેમ્બરમાં રિલીઝ કરવાનો નિર્માતાઓનો પ્લાન છે. ‘વિક્રમ વેધા’ 2017માં રિલીઝ થઈ હતી. તે લોકપ્રિય ભારતીય વાર્તાસંગ્રહ ‘બૈતાલ પચીસી’ પર આધારિત થ્રિલર ફિલ્મ હતી. એમાં માધવન અને વિજય સેતુપતીએ મુખ્ય ભૂમિકા કરી હતી. માધવને વિક્રમ નામના પોલીસ ઈન્સ્પેક્ટરનો અને વિજયે ગેંગસ્ટર વેધાનો રોલ કર્યો હતો. હિન્દી રીમેકમાં હૃતિક પોલીસ ઈન્સ્પેક્ટર અને સૈફ ગેંગસ્ટરનો રોલ કરે એવી ધારણા છે. હૃતિક હાલ દીપિકા પદુકોણ સાથે ‘ફાઈટર’ ફિલ્મ માટે કામ કરી રહ્યો છે. જ્યારે સૈફ અલી ખાનની હોરર-કોમેડી ‘ભૂત પોલીસ’ સપ્ટેમ્બરમાં ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]