રણવીર સિંહે ’83’ ફિલ્મનું નવું કેરેક્ટર પોસ્ટર રિલીઝ કર્યું

મુંબઈ – અભિનેતા રણવીર સિંહે આગામી હિન્દી ફિલ્મ 83નું એક નવું કેરેક્ટર પોસ્ટર આજે રિલીઝ કર્યું છે. આ પોસ્ટરમાં અભિનેતા જીવાને ભૂતપૂર્વ બેટ્સમેન કે. શ્રીકાંતના રૂપમાં બતાવવામાં આવ્યો છે.

રણવીરે પોસ્ટરની કેપ્શનમાં લખ્યું છેઃ ‘ઈટ્સ ચિકા, માચા! ધ સ્વેશબકલિંગ સાઉથ ઈન્ડિયન સ્ટ્રોકપ્લે સેન્સેશન.’

રણવીરે એ પહેલાં એક અન્ય કેરેક્ટર પોસ્ટર પણ રિલીઝ કર્યું હતું જેમાં અભિનેતા તાહિર રાજ ભાસીનને સુનીલ ગાવસકર તરીકે બતાવવામાં આવ્યો છે.

કપિલ દેવ તરીકેની ભૂમિકામાં રણવીર સિંહનો ફર્સ્ટ લૂક કપિલના પ્રસિદ્ધ નટરાજ પોઝમાં રિલીઝ કરવામાં આવ્યો હતો, જેને લોકોએ ખૂબ પસંદ કર્યો છે.

આ ફિલ્મમાં મોહિન્દર અમરનાથ તરીકે સાકિબ સલીમ, સંદીપ પાટીલ તરીકે ચિરાગ પાટીલ, બલવિન્દર સિંહ સંધુ તરીકે એમી વિર્ક, સૈયદ કિરમાણી તરીકે સાહિલ ખટ્ટર, મદનલાલ તરીકે હાર્ડી સંધુ, ફરોખ એન્જિનીયર તરીકે બમન ઈરાની, 1983ની વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમના મેનેજર પી.આર. માનસિંહ તરીકે પંકજ ત્રિપાઠીએ ભૂમિકા અદા કરી છે.

રણવીર કપિલ દેવ બન્યો છે તો કપિલના પત્ની રોમી દેવનો રોલ કર્યો છે રણવીરની રિયલ લાઈફ પત્ની દીપિકા પદુકોણે.

ભારતના ઐતિહાસિક 1983 ક્રિકેટ વર્લ્ડ કપ વિજય પર આધારિત આ ફિલ્મ આ વર્ષની 10 એપ્રિલે રિલીઝ થવાની છે.

ફિલ્મનું નિર્માણ મધુ મન્ટેના, સાજિદ નડિયાદવાલા અને રિલાયન્સ એન્ટરટેનમેન્ટે કર્યું છે.