જેએનયુમાં દીપિકાની હાજરી: કંપનીઓમાં બ્રાન્ડવેલ્યુને લઈને ડર?

નવી દિલ્હી: જેએનયુમાં ડાબેરી વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં હાજર રહ્યા બાદ દીપિકા અને તેની ફિલ્મ છપાકનો જબરજસ્ત વિરોધ શરુ થઈ ગયો હતો. જેની અસર ફિલ્મના બોક્સઓફિસ કલેક્શન પર પણ જોવા મળી રહી છે. હવે આ વિવાદને લઈને દીપિકાને મોડેલ તરીકે ઉપયોગ કરતી બ્રાન્ડ્સ પણ સતર્ક થઈ ગઈ છે. દેશમાં જાહેરાત અને ફિલ્મો માટે સૌથી વધુ પેમેન્ટ મેળવતી અભિનેત્રી દીપિકા પાદુકોણ સાથે પોતાની બ્રાન્ડનું નામ જોડાયેલું હોઈ મોટાભાગની કંપની સતર્કતા દાખવવા લાગી છે.

કેટલીક બ્રાન્ડ્સે કહ્યું કે જે જાહેરાતમાં દીપિકા હોય તેવી જાહેરખબર અમે હાલ દેખાડવી ઓછી કરી દીધી છે. તો ટોચના સ્ટાર્સના જાહેરખબરોના કોન્ટ્રાક્ટર માટે કામ કરતા મેનેજર્સનું કહેવું છે કે આગામી સમયમાં જાહેરખબરોના કરારમાં એ બાબત ઉમેરવામાં આવી શકે છે કે જે તે કલાકાર જો કોઈ રાજકીય પગલું ભરે તો તેનાથી સરકાર કે લોકોના વર્ગની નારાજગીથી કંપનીને થતા નુકસાન અંગેનો ઉલ્લેખ હોઈ શકે છે. કોકા-કોલા અને અમેઝોન જેવી કંપનીઓને રિપ્રેઝેન્ટ કરતી IPG મીડિયાબ્રાન્ડ્સમાં ચીફ એક્જેક્યુટિવ શશિ સિન્હાએ કહ્યું કે, ‘સામાન્ય રીતે કંપનીઓ અને બ્રાન્ડ્સ હંમેશા સુરક્ષિત દાવ જ રમવા માગે છે. તેઓ કોઈપણ જાતના વિવાદથી બચવા માગે છે.

ઉલ્લેખનીય છે કે, પોતાની ફિલ્મ છપાકની રિલીઝના 3 દિવસ પહેલા જ દીપિકા 7 જાન્યુઆરીના રોજ JNU કેમ્પસ પહોંચી હતી. અહીં તે JNU વિદ્યાર્થી સંઘની અધ્યક્ષ આઈશી ઘોષ પાસે ઉભેલી જોવા મળી. તેની આ તસવીર સામે આવતા ડાબેરી વિચારધારા તરફ ઝોક ધરાવતા કલાકારોથી લઈને મંત્રીઓએ તેના સાહસના વખાણ કર્યા હતા. તો જમણેરી વિચારધારા સાથે સંકળેયાલા તમામે તેના પર નિશાન સાધ્યું હતું. ટ્રોલર્સે પણ તેને આ માટે ટ્રોલ કરી હતી. બાયકોટ છપાકના વિરોધ વચ્ચે ફિલ્મે પ્રથમ બે દિવસમાં 11.67 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મનો કુલ ખર્ચ 35 કરોડ જેટલો છે.

દીપિકા બ્રિટાનિયાના ગુડ ડે, લોરિયલ, તનિષ્ક, વિસ્તારા એરલાઇન્સ અને એક્સિસ બેંક સહિત 23 બ્રાન્ડ માટે જાહેરખબર કરે છે. દીપિકાની નેટવર્થ 103 કરોડની છે. ટ્વિટર પર તેના 2.68 લાખ ફોલોઅર્સ છે. કહેવાય છે કે એક ફિલ્મ માટે દીપિકા 10 કરોડ અને એક જાહેરખબર માટે 8 કરોડ રુપિયા લે છે.