કોરોના સંકટઃ પ્રિયંકા ચોપરા લોસ એન્જેલીસમાં બાળકોને ભણવામાં મદદ કરી રહી છે

લોસ એન્જેલીસઃ બોલીવૂડમાંથી હોલીવૂડની અભિનેત્રી બનેલી અને હવે અમેરિકન નાગરિક નિક જોનસને પરણીને અમેરિકામાં રહેતી પ્રિયંકા ચોપરા કોરોના વાઈરસ જાગતિક રોગચાળા વિશે જનજાગૃતિ લાવવામાં અને જરૂરિયાતમંદોને મદદરૂપ થવામાં પોતાના પ્રયાસો કરી રહી છે.

અત્યંત ચેપી અને જીવલેણ કોવિડ-19 મહાબીમારીના ફેલાવાને કારણે અમેરિકામાં અત્યાર સુધીમાં 20 હજાર જેટલા લોકોના મરણ થઈ ચૂક્યા છે અને પાંચ લાખથી વધારે લોકોને આ રોગનો ચેપ લાગી ચૂક્યો છે. ગઈ કાલે એક જ દિવસમાં અમેરિકામાં બે હજારથી વધારે લોકોનાં મરણ થયા હતા.

આવા કપરા સમયમાં અમેરિકાનાં લોકોને ‘દેશી ગર્લ’ પ્રિયંકા મદદરૂપ થઈ રહી છે.

આ રોગચાળાને કારણે અમેરિકામાં બાળકોનાં શિક્ષણને મોટો ફટકો પડ્યો છે. પ્રિયંકા શિક્ષણને કાયમ મહત્ત્વ આપતી આવી છે.

આ ‘ક્વેન્ટિકો’ અભિનેત્રીએ સોશિયલ મિડિયા પરની એક પોસ્ટ દ્વારા જણાવ્યું છે કે તે લોસ એન્જેલીસ શહેરમાં બાળકોને વર્ચ્યુઅલ શિક્ષણ મેળવવામાં મદદરૂપ થઈ રહી છે. પોતે બાળકોને એ માટે હેડફોન્સ પૂરા પાડી રહી છે.

આ સહાયતા માટે પ્રિયંકાએ એક સેવાભાવી સંસ્થા સાથે સહયોગ કર્યો છે, જે સંસ્થા બાળકોને હેડફોન્સ આપશે.

પ્રિયંકાએ તેનાં ઈન્સ્ટાગ્રામ પર એક વિડિયો સંદેશ શેર કર્યો છે જેમાં તેણે પોતાના આ નિર્ણયની જાણકારી આપી છે.

એણે કહ્યું છે કે તેણે JBL સંસ્થા સાથે સહયોગ કર્યો છે જે લોસ એન્જેલીસમાં બાળકોને હેડફોન્સ પૂરા પાડશે, જેથી તેઓ નવા વર્ચ્યુઅલ ક્લાસરૂમ્સમાં ભણી શકે. અમે સાથે મળીને આ કામ કરી રહ્યાં છીએ.

પ્રિયંકાએ એમ પણ કહ્યું છે કે આ મુશ્કેલ સમયમાં લોકો આગળ આવીને એકબીજાને મદદ કરે એ મહત્ત્વનું છે. યુવા સશક્તિકરણ અને શિક્ષણમાં સફળતા બે એવા કારણ છે જે કાયમ મારા દિલની નિકટ રહ્યા છે.