મુંબઈઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણીએ ગઈ કાલે મુંબઈમાં ‘નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર’ (NMACC)ના ઉદઘાટન ઉજવણી કાર્યક્રમમાં શાસ્ત્રીય નૃત્ય પ્રસ્તુત કરીને મહેમાનો-શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધાં હતાં. આ કાર્યક્રમનું આયોજન બાન્દ્રા-કુર્લા કોમ્પલેક્સમાં જિયો ગ્લોબલ સેન્ટરમાં કરવામાં આવ્યું હતું.
નીતા અંબાણીનાં ડ્રીમ પ્રોજેક્ટ સમા આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ભારતીય કલાના જતન અને પ્રચાર-પ્રસાર માટેનો છે. આ કાર્યક્રમમાં ફિલ્મી સિતારાઓ, ઉદ્યોગપતિઓ સહિત સમાજના વિવિધ ક્ષેત્રોની અનેક જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી.
આ પ્રસંગે નીતા અંબાણીએ એમનાં સંબોધનમાં કહ્યું હતું કે, ભારતના સંગીતમય ક્રોનિકલને પ્રસ્તુત કરવામાં મને બેહદ ખુશી થાય છે. આપણી સંસ્કૃતિ હજારો વર્ષોથી બચી છે એટલું જ નહીં, પ્રસરી છે. આપણે દુનિયાની સૌથી પ્રાચીન સભ્યતાઓમાંના એક છીએ. મુકેશ અને મારે મન NMACC એક સપનું હતું જે આજે સાકાર થયું છે. ભારતમાં એક વિશ્વ કક્ષાનું સાંસ્કૃતિક કેન્દ્ર હોય એવું અમે સપનું સેવ્યું હતું.
(તસવીરઃ દીપક ધુરી)