મુંબઈઃ બોલીવુડ અભિનેત્રી રાણી મુખરજી તેનાં દમદાર અભિનય માટે પ્રખ્યાત છે. એણે રૂપેરી પડદા પર અનેક પાત્રોને જીવંત બનાવ્યાં છે.
ફિલ્મોમાંથી એક મોટો બ્રેક લઈને તે ફરી વાર દર્શકો સમક્ષ ઉપસ્થિત થઈ રહી છે – નવી હિન્દી ફિલ્મ ‘મિસિસ ચેટરજી વર્સીસ નોર્વે’થી. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે, જે જોઈને ઘણાયની આંખોમાં આંસુ આવી જશે. આ ફિલ્મમાં એક એવી ભારતીય માતાની વાર્તા છે જે એનાં વતન કોલકાતાથી ખૂબ દૂર, નોર્વે દેશમાં એનાં પતિ અને બાળકોની સાથે સ્થાયી થાય છે. પરંતુ ત્યાં એનાં જીવનમાં એક એવી ઘટના બને છે કે તે પોતાનાં બાળકો માટે આખા નોર્વે દેશ વિરુદ્ધ લડાઈ આદરે છે.
પરિવારનું જીવન ખૂબ આનંદપૂર્વક વીતી રહ્યું હોય છે, ત્યાં અચાનક એક દિવસ એવું કંઈક બને છે જે પરિવારના જીવનમાં બધું જ બદલાઈ જાય છે. મિસિસ ચેટરજીનાં બંને સંતાનને નોર્વેના કાયદાનો હવાલો આપીને તેમની પાસેથી છીનવી લેવામાં આવે છે અને એમની પર એવું લેબલ લગાડી દેવામાં આવે છે કે તમે સારી માતા નથી. ત્યારબાદ મિસિસ ચેટરજી એનાં બાળકોને પરત મેળવવા માટે જંગ શરૂ કરે છે અને આખા નોર્વેની સામે ઊભી રહી જાય છે. એક માતા એનાં બાળકો માટે તમામ રેખા પાર કરવા કેવી તૈયાર થાય છે તે આ ટ્રેલરમાં જોઈ શકાય છે. રાણી મુખરજીએ ઈમોશનલ રોલમાં પ્રભાવિત કરતો અભિનય કર્યો છે.
મિસિસ ચેટરજી વર્સીસ નોર્વે ફિલ્મ આવતી 17 માર્ચે રિલીઝ થવાની છે. ફિલ્મમાં રાણી મુખરજી સાથે જિમ સરભ, નીના ગુપ્તા અને અનિર્બન ભટ્ટાચાર્ય પણ મહત્ત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મનાં નિર્દેશિકા છે આશીમા છિબ્બર. આ ફિલ્મ નોર્વેમાં બનેલી એક સત્ય ઘટના પર આધારિત છે. 2011માં એક ભારતીય દંપતી પાસેથી એમનાં સંતાનોનો કબજો જબરદસ્તીથી છીનવી લેવામાં આવે છે. ત્યારબાદ દંપતીએ નોર્વે વેલ્ફેર સર્વિસીસ વિભાગ અને તેના કાયદા સામે લડાઈ આદરી હતી.
ટ્રેલરને સોશ્યલ મીડિયા પર દર્શકો તરફથી જોરદાર પ્રતિસાદ મળ્યો છે. બોલીવુડની હસ્તીઓએ પણ એનાં વખાણ કર્યાં છે. કરણ જોહર, આલિયા ભટ્ટ, અર્જૂન કપૂર, અનુષ્કા શર્મા, કેટરીના કૈફ, ભૂમિ પેડણેકર, વાણી કપૂર, અનિલ કપૂર, અભિષેક બચ્ચને ટ્રેલરની પ્રશંસા કરતી ટિપ્પણી કરી છે.