નવી દિલ્હીઃ બી.આર. ચોપરા નિર્મિત ‘મહાભારત’ ટીવી સિરિયલમાં ‘ભીમ’નું પાત્ર ભજવનાર અભિનેતા પ્રવીણકુમાર સોબતીનું નિધન થયું છે. એ 75 વર્ષના હતા. પ્રવીણકુમારના પુત્રી નિકુનિકાએ ઈન્ડિયન એક્સપ્રેસ.કોમને જણાવ્યું હતું કે એમનાં પિતાનું ગઈ કાલે રાતે લગભગ 9.30 વાગ્યે દિલ્હી સ્થિત નિવાસસ્થાને હાર્ટ એટેકથી નિધન થયું હતું. પ્રવીણકુમાર પંજાબના ભૂતપૂર્વ એથ્લીટ હતા. એમણે એશિયન ગેમ્સમાં હથોડાફેંક અને ડિસ્કસ થ્રો રમતોની હરીફાઈઓમાં ભાગ લીધો હતો અને ચેમ્પિયન બન્યા હતા. એશિયન ગેમ્સમાં એમણે કુલ ચાર મેડલ જીત્યા હતા (બે સુવર્ણ, એક રજત અને એક કાંસ્ય). એમણે ઓલિમ્પિક્સમાં પણ બે વાર ભાગ લીધો હતો (1968ની મેક્સિકો ગેમ્સ અને 1972ની મ્યુનિક ગેમ્સ).
6 ફૂટ 6 ઈંચની હાઈટ ધરાવતા પ્રવીણકુમારે સીમા સુરક્ષા દળ (બીએસએફ)માં ડેપ્યુટી કમાન્ડન્ટ તરીકે નોકરી મેળવી હતી. 70ના દાયકામાં કેટલીક બોલીવુડ ફિલ્મોમાં એમણે ગૂંડા કે બોડીગાર્ડની ભૂમિકા કરી હતી. તેઓ છેલ્લે 1981માં રક્ષા ફિલ્મમાં જોવા મળ્યા હતા. અમિતાભ બચ્ચનની શહેનશાહ ફિલ્મમાં એમણે મુખ્તારસિંહની ભૂમિકા ભજવી હતી.