‘પ્લીઝ સર, ભારતના ભાગલા ન પાડો’: વિવેક ઓબેરોયની કમલ હાસનને વિનંતી

મુંબઈ – ‘ભારતનો પ્રથમ ત્રાસવાદી હિન્દુ હતો – નથુરામ ગોડસે’ એવી ટિપ્પણી કરવા બદલ જાણીતા દક્ષિણ ભારતીય તેમજ બોલીવૂડ અભિનેતા કમલ હાસનની બોલીવૂડ અભિનેતા વિવેક ઓબેરોયે ઝાટકણી કાઢી છે. વિવેકે કમલને ટ્વીટ કરીને કહ્યું છે કે મહેરબાની કરીને તમે દેશના ભાગલા ન પાડો.

કમલ હાસને મક્કલ નીધિ મય્યમ નામે રાજકીય પક્ષની સ્થાપના કરી છે. તામિલનાડુના કારુર જિલ્લામાં અરાવાકુરુચી વિધાનસભા બેઠક માટે આવતી 19 મેએ પેટા-ચૂંટણી છે. એ માટે પોતાની પાર્ટીના ઉમેદવારની પ્રચારસભા વખતે એવી કમેન્ટ કરી હતી કે આઝાદ ભારતનો પહેલો ત્રાસવાદી હિન્દુ હતો – નથુરામ ગોડસે.

નથુરામ ગોડસેએ 1948ની 30 જાન્યુઆરીએ નવી દિલ્હીમાં મહાત્મા ગાંધીને ગોળી મારીને ઠાર કર્યા હતા.

કમલ હાસને ગાંધીજીની હત્યાનો ઉલ્લેખ કરતાં વધુમાં ઉમેર્યું હતું કે હું એ હત્યા વિશે સવાલ ઉઠાવી રહ્યો છું.

કમલ હાસનની આ કમેન્ટે સોશિયલ મિડિયામાં ઉહાપોહ જગાવી દીધો છે. ઘણા નેતાઓ સહિત અનેક લોકોએ એમની ટીકા કરી છે.

વિવેક ઓબેરોય ભારતીય જનતા પાર્ટીનો સમર્થક છે. એ પણ કમલની ટિપ્પણીથી નારાજ થયો છે.

httpss://twitter.com/vivekoberoi/status/1127804765797113857