કરોગે યાદ તો…: ભૂપિન્દરસિંહની અલવિદા: મોદીજીએ વ્યક્ત કર્યો શોક

મુંબઈઃ સુપ્રસિદ્ધ ગાયક ભૂપિન્દરસિંહનું બીમારીઓને કારણે ગઈ કાલે અહીં નિધન થયું છે. તેઓ 82 વર્ષના હતા. એમના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું વાતાવરણ ફેલાઈ ગયું છે. એમના ગાયિકા પત્ની મિતાલીસિંહે પતિનાં નિધનના સમાચાર આપ્યાં હતાં અને કહ્યું કે ભૂપિન્દરસિંહને છેલ્લા કેટલાક વખતથી સ્વાસ્થ્યને લગતી તકલીફો હતી. ભૂપિન્દરસિંહના પાર્થિવ શરીરના ગઈ કાલે મોડી રાતે ઓશિવરા (જોગેશ્વરી) સ્મશાનભૂમિમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ભૂપિન્દરસિંહનો જન્મ 8 ફેબ્રુઆરી, 1940માં પંજાબના અમૃતસરમાં થયો હતો. એમણે ગાયકીની તાલીમ એમના પિતા નાથાસિંહ પાસેથી પ્રાપ્ત કરી હતી. બાદમાં, પોતાની કારકિર્દીની શરૂઆત ઓલ ઈન્ડિયા રેડિયો-દિલ્હીથી કરી હતી. ત્યારબાદ એમણે દિલ્હીમાં જ દૂરદર્શન સાથે કામ કર્યું હતું. સંગીતકાર મદન મોહને ‘હકીકત’ ફિલ્મમાં મોહમ્મદ રફી, તલત મહમૂદ અને મન્ના ડે સાથે ‘હોકે મજબૂર મુઝે ઉસને બુલાયા હોગા’ ગીત ગાવાની એમને તક આપી હતી.

(તસવીર સૌજન્યઃ ઓલ ઈન્ડિયા રેડિયો ટ્વિટર)

એમણે ગાયેલા અને લોકજીભે ચઢેલા અમુક ગીતો છેઃ
દિલ ઢૂંઢતા હૈ ફિર વહી (મૌસમ),
દુકી પે દુકી હો (સત્તે પે સત્તા),
કિસી નઝર કો તેરા ઈંતઝાર આજ ભી હૈ (ઐતબાર),
બીતી ના બીતાઈ રૈના (પરિચય),
નામ ગૂમ જાયેગા ચેહરા યે બદલ જાયેગા (કિનારા),
એક અકેલા ઈસ શહર મેં (ઘરોંદા),
દો દીવાને શહર મેં (ઘરોંદા),
કરોગે યાદ તો, હર બાત યાદ આયેગી (બાઝાર),
હુઝૂર ઈસ કદર ભી ના ઈતરા કે ચલિયે (માસૂમ),
કભી કિસી કો મુકમ્મલ જહાં નહીં મિલતા (આહિસ્તા આહિસ્તા),
ઝિંદગી મેરે ઘર આના (દૂરિયાં) વગેરે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને ભૂપિન્દરસિંહના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. એમણે લખ્યું છે કે, ‘ભૂપિન્દરસિંહજીએ અનેક દાયકાઓમાં યાદગાર ગીતોની ભેટ આપી છે. આ દુઃખની ઘડીઓમાં, એમના પરિવારજનો તથા પ્રશંસકો પ્રતિ હું મારી સંવેદના વ્યક્ત કરું છું.’