કંગના રણૌત અભિનીત ‘તેજસ’ ફિલ્મનું શૂટિંગ ડિસેંબરથી શરૂ થશે

મુંબઈઃ કંગના રણૌત નવી હિન્દી ફિલ્મ ‘તેજસ’માં વીરાંગનાનાં રૂપમાં જોવા મળશે.  આ ફિલ્મ ભારતીય હવાઈ દળના યુદ્ધવિમાન ‘તેજસ’ વિશેની છે. ફિલ્મનું શૂટિંગ આ વર્ષના ડિસેંબરથી શરૂ કરાશે.

કંગના આ ફિલ્મમાં ફાઈટર પાઈલટનો રોલ કરી રહી છે.

કંગનાએ કહ્યું છે કે, ‘એર ફોર્સની પાઈલટનો રોલ કરવાનું મને સદ્દભાગ્ય સાંપડ્યું છે. પોતાની ફરજના રૂપમાં પ્રત્યેક દિવસ બલિદાન આપનાર દેશના બહાદુર પુરુષ અને મહિલા જવાનોનાં શૌર્યને બિરદાવતી આ ફિલ્મનો હું એક હિસ્સો બની છું એ બદલ હું ગર્વની લાગણી મહેસુસ કરી રહી છું.’

કંગનાએ જ પોતાનાં ટ્વિટર હેન્ડલ પર આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કર્યું છે અને ફિલ્મનું શૂટિંગ ડિસેંબરમાં શરૂ થવાની જાણકારી આપી છે. પોસ્ટરમાં પણ એરફોર્સની ફાઈટર પાઈલટનાં ગણવેશમાં કંગનાનો વટ પડે છે.

ફિલ્મના નિર્માતા રોની સ્ક્રૂવાલા છે. પટકથા લેખક અને દિગ્દર્શક સર્વેશ મેવાડા છે.

ફિલ્મ 2021ના એપ્રિલમાં રિલીઝ કરવાનું નિર્ધારિત છે.

દિગ્દર્શક મેવાડાએ કહ્યું કે, ‘અમે આપણા સશસ્ત્ર દળોને બિરદાવીએ છીએ અને મને આશા છે કે આ ફિલ્મના માધ્યમથી દેશભક્તિ અને રાષ્ટ્રવાદનો જુસ્સો ફેલાશે. કંગના રણૌત વાસ્તવિક જીવનમાં એક બહાદુર સ્ત્રી છે અને એની બોલવાની છટા પણ આપણા દેશના યુવાઓને પ્રભાવિત કરનારી છે. અમે એની સાથે શૂટિંગ શરૂ કરવા આતુર છીએ.’

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]