આખા દેશમાં ‘વીજ બિલ માફ’ના વાઇરલ ન્યૂઝ સદંતર ખોટા

નવી દિલ્હીઃ જો તમે પહેલી સપ્ટેમ્બરથી વીજળીનાં બિલ માફીને લઈને ન્યૂઝ વાંચ્યા છે અથવા સાંભળ્યા છે તો એ સંપૂર્ણ રીતે ખોટા છે. પાછલા કેટલાક દિવસોથી સોશિયલ મિડિયા પ્લેટફોર્મ યુટ્યુબ પર એક વિડિયો વાઇરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં દર્શાવવામાં આવી રહ્યું છે કે સરકાર વીજળીના બિલ માફી યોજના 2020 લાવી રહી છે. જેથી સપ્ટેમ્બરથી સંપૂર્ણ દેશમાં સૌનું વીજળીનાં બિલ માફ થશે. આને લઈને PIBએ FACT Check કરીને જણાવ્યું છે કે આ દાવો ખોટો છે.

DL NEWS નામની યુટ્યુબ ચેનલ પર એક વિડિયો બનાવવામાં આવ્યો છે, જેનું શીર્ષક છે- વીજળી બિલ માફી યોજના 2020 હેઠળ પહેલી સપ્ટેમ્બરથી સંપૂર્ણ દેશમાં બધાનુ વીજળી બિલ માફ થશે…આ લિસ્ટમાં તમારું નામ ઉમેરો. 26 ઓગસ્ટે અપલોડ કરવામાં આવેલો આ વિડિયો અત્યાર સુધી 4000થી વધુ લોકો જોઈ ચૂક્યા છે. વીજળી બિલ માફી યોજનાને નામથી યુટ્યુબ પર આ પ્રકારના કેટલાય વિડિયો છે.

વાસ્તવિકતાની તપાસ

  • ઇન્ટરનેટ પર એવા કોઈ સમાચાર અમને નથી મળ્યા, જેનાથી વીજળી બિલ માફી થવાના દાવાની પુષ્ટિ થતી હોય.
  • કેન્દ્ર સરકારના વીજ મંત્રાલયની સત્તાવાર વેબસાઇટ પર અમને વીજળી બિલ માફ કરવાવાળા ન્યૂઝના કોઈ અપડેટ ના મળ્યા.
  • સરકારી એજન્સી PIB ફેક્ટ ચેકે ટ્વીટ કરીને સ્પષ્ટ કર્યું હતું કે સરકારે વીજ બિલ માફીની કોઈ ઘોષણા નથી કરી. સોશિયલ મિડિયા પર કરવામાં આવી રહેલો દાવો સંપૂર્ણ રીતે ખોટો છે.