પત્રકાર પરિષદમાં જ્યારે અભિનેત્રી કંગના રણૌત પત્રકાર પર ભડકી ગઈ

મુંબઈ – આગામી હિન્દી ફિલ્મ ‘જજમેન્ટલ હૈ ક્યા’ના પ્રમોશન કાર્યક્રમ અંતર્ગત ગઈ કાલે અહીં યોજવામાં આવેલી એક પત્રકાર પરિષદમાં બબાલ મચી ગઈ હતી જ્યારે અભિનેત્રી કંગના રણૌત એક પુરુષ પત્રકાર પર ગુસ્સે ભરાઈ ગઈ હતી. પોતાને બદનામ કરતી વાતો ફેલાવવાનો એણે તે પત્રકાર પર આરોપ મૂક્યો હતો. એ પત્રકારે કંગનાને પડકાર ફેંક્યો હતો કે તું આરોપને સાબિત કર.

કંગનાએ તે પત્રકારને કહ્યું કે મારી અગાઉની ફિલ્મ ‘મણિકર્ણિકાઃ ધ ક્વીન ઓફ ઝાંસી’ની રિલીઝ દરમિયાન તમે સોશિયલ મિડિયા પર મારી વિરુદ્ધ લખ્યું હતું અને મને ખોટી રીતે ટાંકીને મને બદનામ કરતો પ્રચાર કર્યો હતો.

તે પત્રકારે કંગનાનાં દાવાને નકારી કાઢ્યો હતો અને એને કહ્યું હતું કે તું જે કહી રહી છો એ સાબિત કરતો કોઈ પુરાવો આપ.

કાર્યક્રમ ‘જજમેન્ટલ હૈ ક્યા’નાં એક ગીતને લોન્ચ કરવાનો હતો. એમાં ફિલ્મની નિર્માત્રી એકતા કપૂર અને અભિનેતા રાજકુમાર રાવ પણ ઉપસ્થિત હતાં.

કંગનાએ તે પત્રકારને કહ્યું હતું કે, ‘તુમ તો મેરે દુશ્મન બન ગયે… બડી ઘટિયા બાતેં લિખ રહે હો. કીતની જ્યાદા ગંદી બાતે લિખ રહે હો, ઈતના ગંદા સોચતે કૈસો હો’.

એ સાંભળીને તે પત્રકારે કહ્યું કે પોતે સત્ય જ લખ્યું છે અને તું આ રીતે કહે એ યોગ્ય ન કહેવાય.

મણિકર્ણિકા ફિલ્મ મામલે પોતાની વિરુદ્ધમાં એ પત્રકારે ઘણું વાંધાજનક લખ્યું હતું એવો કંગનાએ તેની પર આરોપ મૂક્યો હતો.

તે પત્રકારે જવાબમાં કહ્યું કે તું એકદમ મજબૂત સ્થાને છો એટલે આ રીતે કોઈ પત્રકારને ધમકાવી ન શકે.

એ દલીલબાજીને કારણે અન્ય પત્રકારો પેલા પત્રકાર પર ગુસ્સે ભરાયા હતા અને કહ્યું હતું કે તારે આ રીતે વચ્ચે બોલવું ન જોઈએ. કાર્યક્રમનાં સંચાલકો હસ્તક્ષેપ કર્યો હતો અને મામલો ઠંડો પાડ્યો હતો અને જે મુદ્દે પત્રકાર પરિષદ બોલાવાઈ હતી એ વિષય પર ચર્ચા અને સવાલ-જવાબ સત્ર આગળ ચલાવ્યાં હતાં.

કંગનાએ તે પત્રકારને કહ્યું હતું કે તું મારી વેનિટી વેનમાં આવ્યો હતો અને ત્રણ કલાક બેઠો હતો. આપણે સાથે લંચ પણ લીધું હતું.

એ સાંભળીને પત્રકારે કહ્યું હતું કે મેં ક્યારેય તારી સાથે ત્રણ કલાક સુધી વાતચીત કરી નહોતી. મેં તારી સાથે લંચ પણ લીધું નહોતું. આપણે એક ઈન્ટરવ્યૂ કર્યો હતો જે તારાં પબ્લિક રિલેશન્સ વિભાગે નક્કી કરાવી આપ્યો હતો. મેં માત્ર મારું કામ કર્યું હતું.

તે છતાં કંગનાએ દોહરાવ્યું હતું કે તેં મને બાદમાં મેસેજ પણ કર્યો હતો.

પત્રકારે કહ્યું કે તું મારા એ મેસેજનો સ્ક્રીનશોટ શેર કર.

કંગનાએ કહ્યું હું શેર કરીશ. કંગનાએ કહ્યું કે તમે મારી બ્રાન્ડને હાનિ પહોંચે એ રીતે મારાં નિવેદનને ખોટી રીતે રજૂ કર્યું હતું.

બાદમાં કંગનાએ એ પત્રકારના સવાલના જવાબ આપવાની ના પાડી દીધી હતી.

(જુઓ એ ઘટનાનો વિડિયો)

httpss://youtu.be/OOOtDm14Yk0