નાના પાટેકરને ક્લીન ચિટ આપનાર મુંબઈ પોલીસને પણ તનુશ્રી હવે કોર્ટમાં ઢસડી ગઈ

મુંબઈ – માનસિક ત્રાસને કારણે બોલીવૂડ છોડી દેનાર અભિનેત્રી તનુશ્રી દત્તાએ સહ-કલાકાર નાના પાટેકર સામે જાતીય સતામણીનો કેસ કર્યો છે, પણ મુંબઈ પોલીસે તપાસ કરીને કોર્ટને કહ્યું કે પાટેકરની સંડોવણીનો તેને કોઈ પુરાવો મળ્યો નથી તેથી પોતે આ કેસને બંધ કરી દે છે. તનુશ્રી હવે ‘#MeToo જાતીય સતામણી’ના કેસમાં પોલીસના આ નિર્ણયને મુંબઈની કોર્ટમાં પડકારવાની છે.

તનુશ્રીએ વિરોધ પીટિશન નોંધાવવાનો નિર્ણય લીધો હોવાનું કહેવાય છે.

પોલીસે તપાસ કર્યા બાદ કોર્ટમાં ક્લોઝર રિપોર્ટ આપ્યો છે અને કહ્યું કે આ કેસમાં વધારે તપાસ કરવાની એને જરૂર લાગતી નથી. તેથી આ કેસને બંધ કરી દેવાની અમે વિનંતી કરીએ છીએ.

પાટેકરને જ્યારે ક્લીન ચિટ અપાઈ હતી ત્યારે જ તનુશ્રીએ કહ્યું કે એને પોલીસના આ નિર્ણયથી જરાય આંચકો કે આશ્ચર્ય થયાં નથી. ‘મારાં આરોપ બદઈરાદાવાળા અને નકલી છે એવું જણાવતો રિપોર્ટ ફાઈલ કરવા માટે પાટેકરે પોલીસને લાંચ આપી હતી’ એવો દાવો તનુશ્રીએ કર્યો છે.

ઓશિવરા પોલીસ સ્ટેશને નોંધાવેલા B-Summary રિપોર્ટ સામે તનુશ્રીએ વિરોધ નોંધાવ્યો છે. એનાં વકીલ નીતિન સાતપુતે અંધેરીમાં રેલવે મોબાઈલ કોર્ટમાં તનુશ્રીનો કેસ લડી રહ્યા છે.

કોર્ટે તનુશ્રીને વિરોધ પીટિશન નોંધાવવા માટે સમય આપ્યો છે અને કેસની સુનાવણી આવતી 7 સપ્ટેંબર સુધી મુલતવી રાખી છે.

કોર્ટમાં તનુશ્રીની સમગ્ર લીગલ ટીમ હાજર હતી, પણ ઓશિવરા પોલીસ સ્ટેશનમાંથી એકેય ઓફિસર ત્યાં હાજર નહોતો.

તનુશ્રીએ 2018ના સપ્ટેંબરમાં એવી ફરિયાદ લખાવી હતી કે નાના પાટેકરે એક દાયકા અગાઉ ‘હોર્ન ઓકે પ્લીઝ’ ફિલ્મના શૂટિંગ વખતે પોતાની સાથે ગેરવર્તન કર્યું હતું અને એની પર જાતીય હુમલો કર્યો હતો.

ફરિયાદમાં તનુશ્રીએ એવો આરોપ પણ મૂક્યો હતો કે પોતે જરાય બીભત્સ, અશ્લીલ કે પોતાને ન ગમે એવાં કોઈ દ્રશ્યો નહીં આપે એવું સ્પષ્ટપણે કહી દીધું હતું તે છતાં એક ગીતનાં શૂટિંગ વખતે પાટેકરે અયોગ્ય રીતે પોતાને સ્પર્શ કર્યો હતો.

તનુશ્રીની ફરિયાદને પગલે નાના પાટેકર સામે પોલીસે ભારતીય ફોજદારી કાયદાની કલમો 354 અને 509 હેઠળ ફરિયાદ નોંધી છે. જોકે એમની ધરપકડ કરી નથી. આ બંને કલમ કોઈ મહિલા પર હુમલો કરવા, એનો વિનયભંગ કરવાના ઈરાદે ક્રિમિનલ બળનો ઉપયોગ કરવા, મહિલાનું અપમાન થાય એવાં શબ્દો ઉચ્ચારવા, ચેષ્ટા કરવા કે હરકત કરવાને લગતી છે.