મુંબઈઃ ‘બજરંગી ભાઈજાન’ અને ‘એક થા ટાઈગર’ જેવી ફિલ્મોના દિગ્દર્શક કબીર ખાને હિન્દી ફિલ્મોમાં મુઘલ (મોગલ) સમ્રાટોના કરાતા ચિત્રણનો મુદ્દો ઉઠાવીને એક નવી ચર્ચાને જન્મ આપ્યો છે. એમણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે ભારતીય ફિલ્મોમાં મુઘલ લોકોને જે રીતે બતાવવામાં આવે છે એનાથી મને બહુ જ ગુસ્સો આવે છે. મુઘલ અસલી રાષ્ટ્ર-નિર્માતાઓ હતા.
કબીર ખાને વધુમાં કહ્યું છે કે હું જ્યારે ફિલ્મના રાજકારણ વિશે વાત કરું છું ત્યારે ઘણા લોકો એ વિશે ગેરસમજ કરે છે. મારું કહેવાનું કોઈ રાજકીય પક્ષ કે રાજકારણ ક્ષેત્ર વિશેનું નથી હોતું. રાજકારણ એવો પ્રકાર છે જેના દ્વારા આપણે દુનિયામાં ગમે તે જોઈ શકીએ છીએ. મને સમજાતું નથી કે મુઘલોને ખલનાયક તરીકે શા માટે બતાવવામાં આવે છે. મુઘલો તો અસ્સલ રાષ્ટ્ર-નિર્માતાઓ હતા. આપણે એમના વિશે એવું લખીએ છીએ કે તેમણે લોકોનો નરસંહાર કર્યો હતો. પરંતુ તમે આવું તમે કયા આધારે કહો છો? મહેરબાની કરીને ઐતિહાસિક પુરાવાઓને યોગ્ય રીતે વાંચો.