IIFAA 2019 એવોર્ડ્સ: આલિયા-રણવીર બેસ્ટ કલાકારો, ‘રાઝી’ બેસ્ટ ફિલ્મ ઘોષિત

મુંબઈ – ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડેમી એવોર્ડ્સ-2019 (IIFAA)ની જાહેરાત કરવામાં આવી છે. આલિયા ભટ્ટ બેસ્ટ અભિનેત્રી અને રણવીર સિંહ બેસ્ટ અભિનેતા તરીકે પસંદ કરાયા છે જ્યારે ‘રાઝી’ બેસ્ટ ફિલ્મનો એવોર્ડ જીતી છે.

એવોર્ડ સમારંભ ગઈ કાલે રાતે અહીં નેશનલ સ્પોર્ટ્સ ક્લબ ઓફ ઈન્ડિયા (NSCI) ખાતે યોજવામાં આવ્યો હતો. એમાં બોલીવૂડના તમામ ટોચના કલાકારો અને કસબીઓએ હાજરી આપી હતી. સલમાન ખાન, કેટરીના કૈફ, આલિયા સહિત અનેક કલાકારોએ ગ્રીન કાર્પેટ પર હાજર થઈને તસવીરકારોને પોઝ આપ્યા હતા.

IIFAA એવોર્ડ્સની આ 20મી આવૃત્તિ હતી.

આલિયા ભટ્ટને ‘રાઝી’ ફિલ્મ માટે બેસ્ટ અભિનેત્રી તરીકેનો એવોર્ડ આપવામાં આવ્યો હતો જ્યારે રણવીર સિંહે ‘પદ્માવત’ ફિલ્મમાં કરેલી ભૂમિકા બદલ બેસ્ટ અભિનેતાનો એવોર્ડ જીતી ગયો છે.

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર વિજેતા અભિનેતા વિકી કૌશલે ‘સંજુ’ ફિલ્મમાં કરેલી ભૂમિકા બદલ બેસ્ટ સહાયક અભિનેતાનો એવોર્ડ જીત્યો છે.

વિકી કૌશલ

બેસ્ટ સહાયક અભિનેત્રીનો એવોર્ડ અદિતી રાવ હૈદરીને ‘પદ્માવત’ ફિલ્મ માટે આપવામાં આવ્યો છે.

અદિતી રાવ હૈદરી

આ વખતના સમારંભમાં કેટલાક કલાકારો અને કસબીઓને વિશેષ એવોર્ડ પણ આપવામાં આવ્યા હતા. દીપિકા પદુકોણને ‘ચેન્નાઈ એક્સપ્રેસ’માં કરેલી ભૂમિકા બદલ, રણબીર કપૂરને ‘બરફી’, દિગ્દર્શક રાજકુમાર હિરાનીને ‘3 ઈડિયટ્સ’ માટે, સંગીતકાર પ્રિતમને ‘ઐ દિલ હૈ મુશ્કિલ’ ફિલ્મના સંગીત માટે એવોર્ડ આપવામાં આવ્યો હતો જ્યારે છેલ્લા 20 વર્ષમાં બેસ્ટ ફિલ્મની કેટેગરીમાં ‘કહો ના પ્યાર હૈ’ ફિલ્મને સ્પેશિયલ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

ભારતીય સિનેમામાં અસાધારણ પ્રદાન કરવા બદલ સ્પેશિયલ એવોર્ડ ડાન્સ ડાયરેક્ટર સરોજ ખાનને આપવામાં આવ્યો હતો. એમને માધુરી દીક્ષિત-નેનેનાં હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

માસ્ટર ઓફ કોમેડીનો સ્પેશિયલ એવોર્ડ જગદીપ તરીકે જાણીતા સૈયદ ઈશ્તિયાક એહમદ જાફરીને આપવામાં આવ્યો હતો.

બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ ‘અંધાધૂન’ ફિલ્મ માટે શ્રીરામ રાઘવનને મળ્યો છે.

બેસ્ટ ડેબ્યૂ એવોર્ડ્સમાં પુરુષ એવોર્ડ માટે ઈશાન ખટ્ટર (બીયોન્ડ ધ ક્લાઉડ્સ અને ધડક) તથા સારા અલી ખાન (કેદારનાથ)ને પસંદ કરવામાં આવ્યા છે.

બેસ્ટ ગાયકનો એવોર્ડ અરિજીત સિંહને આપવામાં આવ્યો છે – (‘રાઝી’ ફિલ્મના ‘ઐ વતન’ ગીત માટે). બેસ્ટ ગાયિકાનો એવોર્ડ હર્ષદીપ કૌર અને વિભા સરાફને આપવામાં આવ્યો છે (‘રાઝી’ ફિલ્મના ‘દિલબરો’ ગીત માટે).