‘કપિલ શર્મા શો’માં પુનરાગમન? સુનીલ ગ્રોવરે કહ્યું, ‘ખોટી વાત છે’

મુંબઈ – સોની ટીવી ચેનલ પર પ્રસારિત કરાતો ‘ધ કપિલ શર્મા શો’ ભારે લોકપ્રિય થયો છે. આ શોને લગતા સમાચાર પણ અવારનવાર ધમાલ મચાવતા રહેતા હોય છે. હાલમાં જ એવા સમાચાર વહેતા થયા હતા કે સુનીલ ગ્રોવર આ શોમાં પુનરાગમન કરી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે સુનીલ એક સમયે ધ કપિલ શર્મા શોનો મહત્ત્વનો હિસ્સો હતો, પણ સ્ટેન્ડ-અપ કોમેડિયન તથા શોનાં સંચાલ કપિલ શર્મા વચ્ચે ઝઘડો થવાને પગલે સુનીલ એમાંથી ખસી ગયો હતો.

હાલ એવા સમાચાર હતા કે સુનીલ આ શોમાં ડો. મશહુર ગુલાટીના રોલમાં પાછો ફરવાનો છે. આ સમાચારોને પગલે કપિલ શર્માનાં પ્રશંસકો અને આ શોનાં ચાહકોમાં આનંદનું મોજું ફરી વળ્યું હતું.

પરંતુ, હવે સુનીલે એ અહેવાલો અંગે સ્પષ્ટતા કરી છે. એણે કહ્યું છે કે આ બધી અફવા છે. હું કપિલ શર્મા શોમાં પાછો ફરી રહ્યો છું એ સમાચાર ખોટા છે.

ગ્રોવરે એક મુલાકાતમાં કહ્યું છે કે મને સમજાતું નથી કે લોકો મારા વિશે આવી અફવા કેમ ફેલાવે છે? કારણ કે મારા ટ્વીટમાં એવો કોઈ સંકેત આપવામાં આવ્યો નહોતો. સમાચારમાં કોઈ તથ્ય નથી. એવું કંઈ બનવાનું નથી. પ્રશંસકો મારા ટ્વીટને પગલે મારા કમબેક વિશે કમેન્ટ કરી શકે છે, પરંતુ તમે એના વિશે કોઈ ખોટા સમાચારને ફેલાવી ન શકો.

ગ્રોવરે એમ પણ કહ્યું છે કે કંઈક રસપ્રદ થવાનું છે અને હું થોડાક જ દિવસોમાં એની જાહેરાત કરવાનો છું.
ગ્રોવર ઉપરાંત કપિલ શર્મા શો સાથે સંકળાયેલા સૂત્રોએ પણ કહ્યું છે કે સુનીલ ગ્રોવરના પુનરાગમન વિશે એમને કોઈ પ્રકારની જાણકારી નથી. આ શોમાં ગ્રોવરના સ્થાને કૃષ્ણા અભિષેકને સામેલ કરવામાં આવ્યો છે અને દર્શકોને એની કોમેડી ખાસ્સી પસંદ પડી છે. એટલે આ શો એની સાથે જ ચાલુ રાખવામાં આવશે.