મુંબઈ મેટ્રો પ્રોજેક્ટનો પથ્થર મૌનીની કાર પર પડ્યો; અભિનેત્રી બચી ગઈ

મુંબઈ – શહેરના પશ્ચિમ ભાગના જૂહુ વિસ્તારમાં મેટ્રો રેલવેની એક યોજના માટેનું કામકાજ ચાલી રહ્યું છે. બોલીવૂડ અભિનેત્રી મૌની રોય આજે સવારે એની કારમાં ત્યાંથી પસાર થતી હતી ત્યારે એક મોટો પથ્થર એની કાર ઉપર પડ્યો હતો. આ ઘટના જૂહુ ક્રોસિંગ સ્થળ નજીક બની હતી. એમાં તે આબાદ બચી ગઈ હતી.

પથ્થર પડવાથી મૌનીની કારનાં સનરૂફને નુકસાન પહોંચ્યું છે. એણે એનો વિડિયો ઉતારીને ઈન્ટરનેટ પર રિલીઝ કરી દીધો છે. વિડિયોમાં મૌનીને કારની છત પર પથ્થર પડવાથી થયેલું ગાબડું દેખાડતી જોઈ શકાય છે.

ડઘાઈ ગયેલી મૌનીએ ટ્વીટ કરીને મુંબઈ મેટ્રોના સત્તાવાળાઓને જવાબદાર ગણાવ્યા છે. પ્રોજેક્ટના સ્થળેથી પસાર થતા લોકોની સલામતી વિશે એણે ચિંતા પણ વ્યક્ત કરી છે.

મૌની રોય એની આગામી હિન્દી ફિલ્મ ‘મેડ ઈન ચાઈના’નાં પ્રચારકાર્યક્રમમાં હાજરી આપવા માટે એની કારમાં જતી હતી ત્યારે આ ઘટના બની હતી. એણે તરત જ ટ્વિટર પર જાણકારી આપી હતી.

એણે વિડિયો સાથેની કેપ્શનમાં લખ્યું છે કે હું મારા કામે જતી હતી ત્યારે જૂહુ સિગ્નલ ખાતે એક મોટો પથ્થર લગભગ 11મા માળ જેટલી ઊંચાઈએથી મારી કાર પર પડ્યો હતો. આમાં હું કંઈ કરી ન શકું, પણ એવો વિચાર આવ્યો કે એ વખતે જો નીચે કોઈ ચાલતું જતું હોત તો શું થાત. કોઈ સલાહ-સૂચન કરો કે મુંબઈ મેટ્રોની આવી બેજવાબદારીનો ઉકેલ શું?

મૌનીનાં ટ્વીટને અનેક લોકોએ પ્રતિસાદ આપ્યો હતો અને કેટલાકે કહ્યું કે તારે તરત જ પોલીસને જાણ કરવી જોઈએ અને મુંબઈ મહાનગરપાલિકાનું પણ ધ્યાન દોરવું જોઈએ.

કેટલાક જણે એવી ચિંતા પણ વ્યક્ત કરી હતી કે બનાવમાં મૌની ઘાયલ થઈ હોત તો?

મૌની રોય ખાસ કરીને ટીવી સિરિયલ ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’ (2007)માં ક્રિષ્ના તુલસીનાં રોલ માટે, ‘દેવોં કા દેવ… મહાદેવ’માં સતી તથા ‘નાગિન’માં શિવન્યા/શિવાંગીનાં રોલ માટે જાણીતી થઈ છે. એ ‘ગોલ્ડ’ ફિલ્મમાં અક્ષય કુમાર સાથે ચમકી હતી. એ તેની પહેલી જ ફિલ્મ હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]