પડદા પર ઓશો બનવા માગે છે નવાઝુદ્દીન સિદ્દિકી

પણજીઃ બોલીવુડ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દિકી અભિનીત નવી ફિલ્મ ‘રૌતૂ કી બેલી’ને ગોવામાં આયોજિત ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI)માં પ્રદર્શિત કરવામાં આવી છે. એ માટે તેઓ પણજી આવ્યા છે. ગઈ કાલે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન એમણે કહ્યું, ‘હું કોઈ ચોક્કસ પ્રકારના પાત્રો ભજવવા પૂરતો સ્વયંને સીમિત રાખતો નથી. હું મારા દિગ્દર્શકોનો આભાર માનું છું કે એમણે મને વિવિધ પ્રકારની ભૂમિકાઓમાં ચમકાવ્યો છે. તેઓ જાણે છે કે તેઓ મને કોઈ પણ પાત્રમાં રજૂ કરી શકે છે. મને આ ગમે છે, કારણ કે જો હું એક જ પ્રકારના રોલ કરું તો કંટાળી જાઉં.’

‘ભવિષ્યમાં તમે રૂપેરી પડદા પર કયું નવું પાત્ર ભજવવાનું પસંદ કરશો?’ એવા એક સવાલના જવાબમાં સિદ્દિકીએ કહ્યું, ‘જો તક મળશે તો હું આધ્યાત્મિક ગુરુ ઓશો (આચાર્ય રજનીશ)નું પાત્ર ભજવવાનું પસંદ કરીશ.’

‘રૌતૂ કી બેલી’ ફિલ્મ ઉત્તર ભારતના પહાડી વિસ્તારના એક ગામડા, જેનું નામ રૌતૂ કી બેલી છે, ત્યાં સેટ કરવામાં આવી છે. એની વાર્તામાં, એક શાળાનો કર્મચારી મૃત હાલતમાં મળી આવ્યા બાદ ઈન્સ્પેક્ટર નેગી તે વિશે તપાસ હાથ ધરે છે. આ ગામમાં અવારનવાર રહસ્યપૂર્ણ ઘટનાઓ બનતી રહેતી હોય છે. ઈન્સ્પેક્ટર નેગી હત્યાનો મામલો કેવી અનોખી સ્ટાઈલમાં રીતે ઉકેલે છે તે આ ફિલ્મમાં જોવા મળશે. નવાઝુદ્દીન સિદ્દિકીએ ઈન્સ્પેક્ટર નેગીનો રોલ કર્યો છે.