મુંબઈવાસીઓને સવારે મેઘગર્જના, કમોસમી વરસાદે વહેલા જગાડી દીધા

મુંબઈઃ છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય બફારો, ગરમીનો અનુભવ કરતા મુંબઈગરાઓને આજે વહેલી સવારે લગભગ સાડા પાંચ વાગ્યાના સુમારે વરસાદી વાતાવરણનો અનુભવ મળ્યો હતો. હવામાન વિભાગે અગાઉ આગાહી કરી જ હતી કે 25-27 નવેમ્બર દરમિયાન મુંબઈ તથા આસપાસના વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે. તે મુજબ, આજે વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો. જોરદાર પવન ફૂંકાવાનું શરૂ થયા બાદ પહેલા ધીમી ધારે અને પછી ધોધમાર રીતે વરસાદ શરૂ થયો હતો. તેની સાથે વીજળીના જોરદાર કડકાભડાકા પણ થયા હતા. કમોસમી વરસાદ અને મેઘગર્જનાએ શહેરીજનોને ઊંઘમાંથી વહેલા જગાડી દીધા હતા.

ઓચિંતા પડેલા વરસાદને કારણે વાતાવરણમાં સહેજ ઠંડક પ્રસરી ગઈ છે. હવાનું પ્રદૂષણ પણ ઘટી ગયું છે. લોકોને રાહત થઈ છે, આનંદ પ્રસરી ગયો છે. ઘણા લોકોએ વરસાદ અને વીજળીના ચમકારાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. નવેમ્બર મહિનામાં મુંબઈમાં વરસાદ ભાગ્યે જ પડતો હોય છે. સામાન્ય રીતે, નવેમ્બરના પહેલા જ અઠવાડિયાથી શિયાળાની ઋતુ જોર પકડવા લાગતી હોય છે, પરંતુ આ વખતે નવેમ્બર પૂરો થવાને આરે છે તે છતાં ઠંડીનું નામોનિશાન નથી. ઉલટાનું, બફારો પરેશાન કરી રહ્યો છે.