મુંબઈઃ ‘ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર-2’નાં સ્પર્ધકો દર અઠવાડિયે પોતાની ડાન્સ પ્રતિભા વડે દર્શકોનું મનોરંજન કરતાં હોય છે. આ સપ્તાહાંતમાં આ સ્પર્ધકો બોલીવુડની વિતેલા જમાનાની સદાબહાર જોડી ધર્મેન્દ્ર અને આશા પારેખને એક ટ્રિબ્યૂટ આપવાનાં છે અને આ કલાકારો સમક્ષ એમનાં લોકપ્રિય ગીતો પર પરફોર્મ કરશે.
કાર્યક્રમની એક સ્પર્ધક સૌમ્યા કાંબલેનાં ડોક્ટર પિતા એમની દીકરી ડાન્સ કરે એ પસંદ કરતા નહોતા. એમની ઈચ્છા હતી કે દીકરી પણ એમની જેમ ડોક્ટર બને. પરંતુ જિંદગીના એક આશ્ચર્યજનક વળાંક પર સૌમ્યાનાં કડક મિજાજવાળા પિતાએ દીકરીની પસંદગીનો સ્વીકાર કર્યો અને એની લગનીને પૂરા દિલથી ટેકો આપ્યો. દંતકથાસમાન અભિનેત્રી આશા પારેખને જ્યારે સૌમ્યા વિશે ખબર પડી ત્યારે એમણે પોતાનાં વિશે એક વાત જણાવી. એમણે કહ્યું કે, ‘હું પણ ડોક્ટર બનવા ઈચ્છતી હતી. હું દરરોજ મુંબઈના સાંતાક્રુઝથી ચર્ચગેટના ફ્લોરા ફાઉન્ટન વિસ્તારમાં આવેલી મારી શાળાએ જતી હતી. એક દિવસ સ્કૂલે જતી વખતે મેં એક અકસ્માતની જગ્યા જોઈ. ત્યાં લોહી ફેલાયેલું જોઈને મને ચક્કર આવી ગયાં. એ જ વખતે મને સમજાઈ ગયું કે હું ડોક્ટર બની શકું એમ નથી. જોકે મેં ફિલ્મોમાં કામ કરીને જે કમાણી કરી હતી એમાંથી મેં સાંતાક્રુઝ ઉપનગરમાં જ હોસ્પિટલ શરૂ કરી. સૌમ્યા પણ આવું કંઈક કરી શકે છે. તું પણ ડાન્સર બનીને ગરીબો અને વંચિત લોકોની મદદ કરી શકે છે. એ માટે ડોક્ટર બનવું જરૂરી નથી.’
‘ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર 2’નો આ શો આવતા શનિવાર અને રવિવારે રાતે 8 વાગ્યે સોની એન્ટરટેનમેન્ટ ચેનલ પર રજૂ કરાશે.